- TMC દ્વારા શહીદ દિવસ બાદ ખેલા હોબે દિવસની ઉજવણી
- ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ દિવસની ઉજવણીની શક્યતા
- આગામી 16 ઓગસ્ટને ખેલા હોબે દિવસ મનાવામાં આવશે
ન્યૂઝ ડેસ્ક : TMC એ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં શાનદાર જીત મેળવ્યા બાદ મમતા બેનર્જી ( Mamata Banerjee )ની પાર્ટી બીજા રાજ્યોમાં વિસ્તાર કરવાની યોજના બનાવી રહી હોય તે રીતે કામ કરી રહી છે. જેમાં સૌથી પહેલા ભાજપશાસિત રાજ્યો તેમના ટાર્ગેટમાં જણાઈ રહ્યા છે, ત્યારે TMC દ્વારા આગામી 16 ઓગસ્ટને 'ખેલા હોબે દિવસ' ( Khela Hobe Divas ) પશ્ચિમ બંગાળની સાથે ભાજપશાસિત રાજ્યોમાં પણ ઉજવણી થઈ શકે છે.
16 ઓગસ્ટને ખેલા હોબે દિવસ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસનો નારો 'ખેલા હોબે' ખૂબ જ વાયરલ થયા બાદ TMC સુપ્રીમોએ જાહેરાત કરી હતી કે, 16 ઓગસ્ટને ખેલા હોબે દિવસ મનાવામાં આવશે. મમતા હાલ વિપક્ષી પાર્ટીઓને એકજૂટ કરવામાં લાગી ગયા છે. 21 જૂલાઈને શહીદ દિવસ બાદ હવે 16 ઓગસ્ટને 'ખેલા હોબે દિવસ' પશ્ચિમ બંગાળની સાથે સાથે ભાજપશાસિત રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, આસામ સહિત અન્ય રાજ્યોમાં પણ ઉજવવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
ભાજપની દિવસને બદલવાની માગ
TMCના ખેલા હોબે દિવસની ઉજવણી સામે ભાજપ વિરોધ કરી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આ બાબતે રાજ્યપાલ જગદીપ ધનખડે સાથે મુલાકાત પણ કરી હતી. ભાજપ નેતાનું કહેવુ છે કે, 16 ઓગસ્ટ 1946ના રોજ મુહમ્મદ અલી જિન્ના પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેથી તેમને આ દિવસને બદલવાની માગ કરી રહ્યા છે.