ઇડુક્કી: કેરળની ઇડુક્કી ફાસ્ટ ટ્રેક કોર્ટે આજે છ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. કટ્ટપ્પના ફાસ્ટ-ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ વી મંજુએ આરોપીને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે ફરિયાદ પક્ષ બળાત્કાર અને હત્યાના આરોપો સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય ચાર્જશીટ દાખલ થયાના બે વર્ષ બાદ આપવામાં આવ્યો છે.
કોર્ટ પરિસરમાં માતા-પિતા ભાવુક થઇ ગયા
કોર્ટના આ નિર્ણય બાદ બાળકીના માતા-પિતા કોર્ટ પરિસરમાં ભાવુક થઈ ગયા હતા. સગીર બાળકીના પિતાએ આરોપીને ફાંસીની સજાની માંગ કરતા કહ્યું કે તેમની પુત્રીને ન્યાય મળ્યો નથી. જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી કાયદાકીય લડાઈ ચાલુ રહેશે. દરમિયાન, બચાવ પક્ષના વકીલે કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ પુરાવા અને વળતરની માંગ કરશે.
છ વર્ષની બાળકી પર બળાત્કાર
ઉલ્લેખનીય છે કે 30 જૂન, 2021ના રોજ કેરળના વંદિપેરિયાર સ્થિત ચુરાક્કુલમ એસ્ટેટમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. આ પછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીઓ પર પોક્સો એક્ટની કલમો
આ કેસની તપાસ વંદીપેરિયાર સીઆઈ ટીડી સુનિલ કુમાર અને ટીમ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે 21 સપ્ટેમ્બર 2021ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ પર POCSO એક્ટ, હત્યા અને બળાત્કારની કલમો લગાવવામાં આવી હતી. ગયા વર્ષે મે મહિનામાં કટ્ટપ્પના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ હતી. આ કેસમાં 48 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. કોર્ટમાં પુરાવા તરીકે 69 થી વધુ દસ્તાવેજો અને 16 વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી.