રાંચી : ઝારખંડમાં જુદા જુદા કૌભાંડોની તપાસ કરી રહેલા ઈડી અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ કાર્યવાહી એ માહિતીના આધારે કરવામાં આવી છે કે આરોપીઓ ઈડી અધિકારીઓ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતાં. મળતી માહિતી મુજબ આ અંગે પોલીસ હેડક્વાર્ટરને પત્ર પણ લખવામાં આવ્યો છે. એ માહિતી પણ બહાર આવી છે કે હવે ઈડી ઘણા અધિકારીઓને સમન્સ મોકલી શકે છે.
જેલમાં બંધ ગેંગસ્ટર સાથે પ્લાનિંગ કરાયું ઝારખંડમાં જમીન કૌભાંડ અને ગેરકાયદે માઇનિંગ કૌભાંડ સહિતના ઘણા મહત્વપૂર્ણ કેસોની તપાસમાં સામેલ ઈડી અધિકારીઓને નકલી કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું એટલું જ નહીં, આરોપીઓએ ઝારખંડના એક ગેંગસ્ટરનો સંપર્ક કરીને ઈડીના બે અધિકારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીઓએ રાંચીની જેલમાં બંધ ગેંગસ્ટરના એક સાગરિત સાથે બેસીને આ અંગે પ્લાનિંગ પણ કર્યું હતું.
બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં દરોડા આ કેસની માહિતી મળ્યા બાદ ઈડીએ શુક્રવારે રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં દરોડા પાડ્યા હતા. તે અગાઉ ઇડીને એવી માહિતી પણ મળી હતી કે ધુર્વામાં એસટી-એસસી કેસમાં ઇડીના અધિકારી પર આરોપ લગાવ્યા બાદ જેલમાંથી જ તેને ગંભીર આરોપોમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. એવી માહિતી પણ છે કે આરોપીઓએ અગાઉ ઈડી અધિકારીઓને નુકસાન પહોંચાડવા માટે નક્સલવાદીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ નક્સલવાદીઓએ આ મામલામાં શામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
સુરક્ષામાં વધારો કરાયો બીજી તરફ મામલો સામે આવ્યા બાદ ઈડીના અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડી અધિકારીઓની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફ - CISF ને સોંપવામાં આવી છે. એવી માહિતી પણ છે કે આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય પોલીસને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં ઈડી અધિકારીઓની સુરક્ષાને લઈને સૂચનાઓ આપવામાં આવી છે.
ઈડીના રડાર પર જેલ પ્રશાસન સૂત્રોનું કહેવું છે કે જેલ પ્રશાસન પણ જેલમાં આરોપીઓને મદદ કરી રહ્યું હતું. જેલમાં રહેલા આરોપી એપલની ફેસ ટાઈમ એપ દ્વારા બહારના લોકોના સંપર્કમાં આવ્યા હતાં. આ માહિતી પર ઈડીની ટીમ શુક્રવારે સાંજે દરોડા માટે રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં પહોંચી હતી. ઈડીએ જેલમાં બંધ આરોપીઓના વોર્ડમાં પણ તપાસ કરી હતી, પરંતુ તે દરમિયાન કોઈની પાસેથી મોબાઈલ ફોન મળ્યો ન હતો. આ દરમિયાન આરોપીઓની જેલની અંદર પણ પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ ઈડીએ જમીન કૌભાંડ સંબંધિત ઈસીઆરઆઈમાં કોર્ટમાંથી જેલમાં દરોડા સંબંધિત વોરંટ મેળવ્યું હતું.