જબલપુર, મધ્યપ્રદેશ : ન્યુ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોમવારે આગ ફાટી નીકળતાં શહેરમાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ આગમાં હાલ 8 લોકોના મોત થયા છે, જો કે હજુ સુધી મૃતકોના મોતની પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં ઘણા લોકો દાઝી જવાના પણ સમાચાર છે.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી: ન્યુ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જબલપુરમાં આગ લાગ્યા બાદ દર્દીઓમાં ઓહાપો ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, જેણે આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, આગ એટલી ગંભીર હતી કે, લોકોને બચવાનો મોકો મળ્યો ન હતો, જેના કારણે 8 લોકો જીવતા ભળથું થઈ ગયા હતા. હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ હતા, તે હાલમાં જાણી શકાયું નથી, આ સાથે ઘટના સમયે હોસ્પિટલમાં લગભગ 52 લોકોનો સ્ટાફ હાજર હતો.
અત્યંત દર્દનાક ઘટનાઃ હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. સ્થાનિકોનું કહેવું છે કે, "હોસ્પિટલના એક ખૂણેથી શરૂ થયેલી આગ ધીરે-ધીરે આખા કેમ્પસમાં ફેલાઈ ગઈ હતી." અકસ્માત બાદ હોસ્પિટલનો નજારો ખૂબ જ દર્દનાક છે, દર્દીઓના સગા-સંબંધીઓ રડતા જોવા મળ્યા હતા.