ઇન્ડોનેશિયા : 24 જુલાઈ સોમવારના રોજ ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર એક ઓવરલોડેડ બોટ પલટી ગઇ હતી. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. ઉપરાંત અન્ય 19 લોકો ગુમ હોવાની જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે. બુટોનની શોધ અને બચાવ એજન્સીના વડા મુહમ્મદ અરાફાહે જણાવ્યું હતું કે, બોટ દક્ષિણપૂર્વ સુલાવેસી પ્રાંતના બુટોન સેન્ટ્રલ રિજન્સીના લેન્ટો ગામથી નજીકના લગી ગામ તરફ જઈ રહી હતી. ત્યારે સોમવારે મધ્યરાત્રિ પછી આ અકસ્માત બન્યો હતો.
ક્ષમતાથી વધુ મુસાફર : બચાવ ટીમના વડા પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, લાકડાની બોટમાં 40 લોકો હતા. જોકે, તે હોડી માત્ર 20 લોકો અનુસાર જ ડિઝાઇન કરવામાં આવી હતી. બચાવકર્તા હજુ પણ અન્ય 19 લોકોની શોધમાં છે. જેઓ ઉબડખાબડ સપાટી ધરાવતા દરિયામાં હજુ પણ ગુમ છે. જ્યારે 15 મૃતદેહ મળી આવ્યા હતા અને છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે ત્રણ રબર બોટ, બે ફિશિંગ બોટ અને છ ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા હતા.
15 મૃતદેહ મળ્યા : રવિવારે રિજન્સીની 9 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે હજારો રહેવાસીઓ તેમના ગામોમાં ગયા હતા. ઘણા લોકોએ આવવા જવા માટે માછીમારી અથવા પેસેન્જર બોટનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ઇન્ડોનેશિયા 17,000 થી વધુ ટાપુઓ સાથેનો દ્વીપસમૂહ છે. ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે હોડી પરિવહનનું સામાન્ય માધ્યમ છે. નબળા સલામતી ધોરણો અને ભીડની સમસ્યાના કારણે આવા અકસ્માત વારંવાર સર્જાતા હોય છે.
અકસ્માતનો ઈતિહાસ : 2018 માં ઉત્તર સુમાત્રા પ્રાંતના તળાવમાં લગભગ ખીચોખીચ 200 લોકો સાથેની એક બોટ ડૂબી ગઈ. આ અકસ્માતમાં 167 લોકો માર્યા ગયા. જ્યારે ફેબ્રુઆરી 1999 માં દેશની સૌથી ખરાબ થયેલા અકસ્માતમાંનો એક અકસ્માત બન્યો હતો. એક ખીચોખીચ મુસાફરોથી ભરેલું પેસેન્જર જહાજ ડૂબી ગયું હતું. જેમાં 332 જેટલા લોકો સવાર હતા. તેમાંથી માત્ર 20 લોકો જીવિત રહ્યા હતા.