મુંબઈ : ચાલુ સપ્તાહની શરૂઆતથી ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળી રહ્યું છે. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઊંચા મથાળે ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. અંતે ભારતીય બજાર ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યું હતું. બજારમાં સૌથી વધુ ખરીદી ઓટો, ઓઈલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટીમાં વેચવાલીથી બજાર પર દબાણ રહ્યું હતું.
BSE Sensex : આજે 11 જાન્યુઆરી ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 71,657 બંધની સામે 251 પોઈન્ટ વધીને 71,908 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 71,999 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 71,543 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 63 પોઈન્ટ અપ 71,721 ના મથાળે ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો. જે 0.09 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 28 પોઈન્ટ (0.13%) સુધારા સાથે 21,647 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 69 પોઈન્ટના સુધારા સાથે 21,688 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,726 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,594 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ NSE Nifty 21,619 ના મથાળે બંધ રહ્યો હતો.
બજેટ અપડેટ : સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કરશે. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં ફરી એકવાર પ્રોફિટ બુકિંગ થયું હતું. સારી શરૂઆત બાદ અંતે શેરબજાર સપાટ બંધ થઈ ગયું હતું.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં રિલાયન્સ (2.58%), એક્સિસ બેંક (1.38%), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.29%), ઇન્ડસઇન્ડ બેંક (1.17%) અને પાવર ગ્રીડ કોર્પોનો (1.09%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ફોસીસ (-1.62%), એચયુએલ (-1.56%), વિપ્રો (-1.28%), લાર્સન (-1.18%) અને JSW સ્ટીલ (-0.85%)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1304 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 834 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ અને ટાટા મોટર્સના સ્ટોક રહ્યા હતા.