નવી દિલ્હીઃ ભારત કૃષિ પ્રધાન દેશ છે. જ્યાં કૃષિ સંબંધિત કોઈપણ કાર્ય ચર્ચાનો વિષય બની જાય છે. એક ભારતીય કૃષિ વૈજ્ઞાનિકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય ચોખા અનુસંધાન સંસ્થાન, ફિલિપાઈન્સ સાથે સંકળાયેલી એગ્રીકલ્ચર વૈજ્ઞાનિક ડૉ. સ્વાતિ નાયકને બોરલોગ ફિલ્ડ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. આ એવોર્ડ તેણીને 24 ઓક્ટોબરે અમેરિકામાં આપવામાં આવશે.
કોણ છે ડૉ. સ્વાતિ નાયકઃ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સ્વાતિ નાયક મૂળ ઓડિશાના રહેવાસી છે. જેમણે આચાર્ય એનજી રંગા કૃષિ યુનિવર્સિટીમાં 2003-2007 દરમિયાન કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક ડીગ્રી લીધી હતી. ત્યાર બાદ તેમણે ગ્રામીણ પ્રબંધન(વેલેજ એડમિનિસ્ટ્રેશન)માં માસ્ટર્સ કર્યુ. તેમજ એમિટી વિશ્વવિદ્યાલયમાંથી તેણી પીએચડી કરી ચૂકી છે. વર્તમાનમાં તેઓ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનમાં બીજ પ્રણાલિ અને ઉત્પાદન પ્રબંધનની દક્ષિણ એશિયાની પ્રમુખ છે. કૃષિ ક્ષેત્રમાં તેમને અમૂલ્ય પ્રદાન બદલ તેમણે 'સીડ લેડી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એવોર્ડ અનુસંધાન ડૉ. સ્વાતિ સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી છે.
ઈટીવી ભારતઃ નૉરમન બોરલોગ ફિલ્ડ એવોર્ડ માટે આપની પસંદગી થઈ છે? આ એવોર્ડ વિશે કંઈક કહેશો.
ડૉ. સ્વાતિ નાયકઃ આ એવોર્ડ વિશ્વ ખાદ્ય પુરસ્કાર સંસ્થા તરફથી 40 વર્ષથી ઓછી ઉંમરના એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ અને ખાદ્ય સુરક્ષા માટે કામ કરતા લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ મેળવવો મારા માટે ગર્વની બાબત છે. આ એવોર્ડ હરિત ક્રાંતિના જનક અને નોબલ પીસ પ્રાઈઝ વિજેતા નોરમન બોરલોગના નામે આપવામાં આવે છે. જ્યારે આ એવોર્ડ વિષે મને જણાવવામાં આવ્યું ત્યારે મને બહુ આનંદ થયો. હું એવોર્ડ લેવા માટે અમેરિકા જઈશ, જ્યાં હું આપણા દેશ, રાજ્ય અને એગ્રીકલ્ચર સાયંટિસ્ટ ફ્રેટર્નિટીને રિપ્રેઝન્ટ કરીશ.
ઈટીવી ભારતઃ આપ ચોખા અનુસંધાન ક્ષેત્રે કામ કરો છો, ક્યારેય વિચાર્યુ હતું કે આટલો મોટો એવોર્ડ મળશે?
ડૉ. સ્વાતિ નાયકઃ હું 10 વર્ષોથી ફિલિપાઈન્સ સ્થિત અનાજ અન્વેષણ કેન્દ્ર સાથે સંકળાયેલી છું. સાતે જ આ વારાણસી સ્થિત સાઉથ એશિયા રિઝનલ સેન્ટર સાથે સંકળાયેલી છું. જ્યારે હું એગ્રીકલ્ચર સેક્ટરમાં જોઉં ત્યારે મને મહિલાઓનું પ્રતિનિધિત્વ બહુ ઓછું દેખાય છે. આવામાં મને આ ક્ષેત્રે આ એવોર્ડ મળવાથી હું મારી જાતને બહુ નસીબદાર માનું છું. આ વિષયમાં હું ક્લાઈમેટ રેજીલીએન્ટમાં અનાજના બીજો તેમજ બહુ ઓછા દિવસમાં ઊગી જતા અનાજની પ્રજાતિઓ પર કાર્ય કરી રહી છું. હું આપણી કોમ્યુનિટીને સાથે લઈને આગળ વધી રહી છું.
ઈટીવી ભારતઃ આ એવોર્ડના માધ્યમથી લાખો લોકો માટે આપ પ્રેરણા બનવાના છો? આપે આ ક્ષેત્રને કઈ રીતે પસંદ કર્યુ ?
ડૉ. સ્વાતિ નાયકઃ મને ક્રોપ સાયન્સમાં નાનપણથી રુચિ હતી. હું આ વિષય સંબંધી ચોપડીઓ વાંચતી હતી. જ્યારે હું હૈદરાબાદ એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે હું ફિલ્ડ વર્ક માટે અવાર નવાર જતી હતી. ત્યારે મને નાના ખેડૂતો સુધી નવી ટેકનોલોજી અને તેનો ફાયદો પહોંચે તે એક લક્ષ્ય મળ્યું. તેથી જ મેં ગામડામાં વિકાસ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું.
ઈટીવી ભારતઃ આપને આ એવોર્ડ ક્યારે મળશે?
ડૉ. સ્વાતિ નાયકઃ આ એવોર્ડ અમેરિકામાં આયોજિત ગ્લોબલ ઈવેન્ટમાં મળશે, જેમાં મને આમંત્રિત કરવામાં આવી છે.
ઈટીવી ભારતઃ આપ ચેન્નાઈ ગયા હતા અને હરિત ક્રાંતિના જનક એમ.એસ. સ્વામીનાથની અંતિમ ક્રિયામાં ભાગ લીધો હતો, તેમની ગેરહાજરીને તમે કઈ રીતે આલેખો છો?
ડૉ. સ્વાતિ નાયકઃ અમારા લોકો માટે આ બહુ દુઃખદ સમય છે. સદગતે આપણા સમાજને હરિત ક્રાંતિ આપી હતી, તેનું ઋણ કદાપિ આપણે ઉતારી નહીં શકીએ. જે દુનિયામાં આવે છે તેને જવું પડશે પણ તેમણે કૃષિ વૈજ્ઞાનિકો અને આ ક્ષેત્રે કાર્યરત અનેક લોકોને પ્રેરણા આપી છે. અમે તેમનું વિઝન આગળ વધારીશું.
ઈટીવી ભારતઃ કેટલાક કૃષિ વૈજ્ઞાનિક એમ પણ માને છે કે હરિત ક્રાંતિથી ભારતની સ્થાનિક ફસલોને નુકસાન પહોંચ્યું છે, માત્ર એક જ પ્રકારની ખેતીને પ્રાધાન્ય આપવાથી પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશની ખેતી ઘઉ અને અનાજ આધારિત થઈ ગઈ? આપ શું માનો છો?
ડૉ. સ્વાતિ નાયકઃ જૂઓ તમે જે વાત કરો છો તે 1960-70ના દસકાની છે. જ્યારે હરિત ક્રાંતિ લાવવામાં આવી હતી. જો આપણે આ સમય વિશે વાંચીશું તો જાણીશું કે તે સમયે ખાદ્ય સુરક્ષાની કેવી વ્યવસ્થા હતી અને કેવો ભૂખમરો હતો. તે સમયથી લઈને આજે આપણે અનાજ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યા છીએ. આનો શ્રેય હરિત ક્રાંતિને જ આપવો જોઈશે. તે સમય બાદ અનાજ ઉત્પાદન વધ્યું અને આજે આપણે અન્ય દેશોને પણ અનાજ પૂરૂ પાડી શકીએ છીએ. આ ટ્રાન્સફોર્મેશન એક વિઝનથી જ થઈ શકે છે. આ વિઝનને એમએસ સ્વામીનાથન અને તેમના સાથીઓએ હકીકતનું સ્વરૂપ આપ્યું હતું.
ઈટીવી ભારતઃ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વિકાસ દર શૂન્ય હતો. 31 જાન્યુઆરી 2023માં આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ 2022-23 અનુસાર કૃષિ વિકાસ દર ઘટીને 3 થઈ ગયો છે. જેના પર આપ શું કહેશો?
ડૉ. સ્વાતિ નાયકઃ આ વિષયમાં કંઈ કહેવા માટે કોઈ માપદંડ નથી. આપણી જનસંખ્યાનો ગ્રોથ રેટ બહુ ઊંચો છે. આપણે ખાદ્યાન્ન ઉત્પાદનને વધારવા પ્રાથમિકતા આપવી પડશે. જેથી આપણી જનસંખ્યાને ખાદ્ય સુરક્ષા મળી શકે. આ ઉપરાંત ઋતુઓ અને જળવાયુ પરિવર્તન પણ એક કારણ છે. જે કોઈ દેશ કે રાજ્ય સુધી સિમિત નથી. જે આપણા ખાદ્યાન્ન ઉત્પાદન અને બઝારને બહુ પ્રભાવિત કરે છે. માટે જલવાયુ પરિવર્તનને ધ્યાને રાખીને ઘણી ટેકનોલોજીને અપનાવવી પડે છે. આપણે આ દિશામાં પ્રયાસો કરીશું તો પરિસ્થિતિ સુધરી શકે તેમ છે.
ઈટીવી ભારતઃ ક્લાઈમેન્ટ ચેન્જને પરિણામે ક્યાંક વધુ વરસાદ અને ઓછા વરસાદને પરિણામે અનાજની જાતો પર પ્રભાવ પડ્યો છે, તમે તે સંદર્ભે શું શોધ કરી રહ્યા છો, જેનાથી બીજ અને તેની પેદાશ કેવી રીતે વધી શકે?
ડૉ. સ્વાતિ નાયકઃ હું છેલ્લા 10 વર્ષોથી ધાન્ય અને અન્ય પાકોના બીજ વિક્સીત કરવા સાથે સંકળાયેલી છું. જે પૂર અને અછતમાં પણ પૂરી ક્ષમતાથી ઊગી નીકળે છે. આ બીજને લીધે ખેડૂતોને સામાન્ય બીજ કરતા વધુ પાક ઉત્પાદન થાય છે.
ઈટીવી ભારતઃ આપ 'સીડ લેડી'ના નામથી ઓળખાવ છો. આ નામ કેવી રીતે પડ્યું, ફિલ્ડમાં કામ કરવું કેટલો મોટો પડકાર છે?
ડૉ. સ્વાતિ નાયકઃ હું અનેક ખેડૂતો સાથે કામ કરી રહી છું. અમારી ટીમ ખેડૂતોને ધાન્યના બીજ વિશે સમજાવવા ઉપરાંત બીજ મેળવવામાં પણ મદદ કરે છે. જેથી તેઓ તેનો ઉપયોગ કરી શકે. લોકો મને પ્રેમથી બીજ માટે કામ કરતી દીદી અથવા બીજ આપનાર દીદી તરીકે પણ ઓળખે છે. જો લોકો મને સીડ લેડીના નામથી ઓળખે તો તે મારા માટે ખુશીની વાત છે. મારે તે લોકોને મળવું છે જેણે મારુ આ નામ રાખ્યું છે.
નૉરમન બોરલોગ કોણ હતા?: નૉરમન બોરલોગને હરિત ક્રાંતિ માટે નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે હરિત ક્રાંતિની શરૂઆત મેક્સિકોથી કરી હતી. 1959માં તેઓ ઘઉંની ઉન્નત જાતોને મેક્સિકો લઈ ગયા અને તેનો પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગ ઘણો સફળ રહ્યો હતો. જેમાં પ્રતિ હેક્ટર 10 ટનથી વધુની પેદાશ થઈ હતી. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં બોરલોગે આ બીજોને મોકલવાનું શરૂ કર્યુ. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. નૉરમન બોરલોગના નામ પર 40 વર્ષથી ઓછી ઉંમરના કૃષિ વૈજ્ઞાનિકોને અમેરિકન સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવે છે.