નવી દિલ્હી: દિલ્હીની કેજરીવાલ સરકારે ફટાકડા પર પ્રતિબંધ લાદેલો છે. જેને લઈને ભાજપના લોકસભા સાંસદ મનોજ તિવારીએ પ્રતિબંધ હટાવવાની માંગની અરજી કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એએસ બોપન્ના અને સુંદરેશની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. ફટાકડા પર લાદેલો પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટએ ઇનકાર કર્યો છે.
હસ્તક્ષેપ કરવાનો ઇનકાર: બેંચે ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારના સાંસદ તિવારીને કહ્યું, 'તમે લોકોને સમજાવો કે તેઓ ફટાકડા ન ફોડે. ચૂંટણી પછી વિજય સરઘસ દરમિયાન પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. વિજયની ઉજવણી કરવાની બીજી ઘણી રીતો છે. દિલ્હી સરકારે શિયાળામાં પ્રદૂષણના સ્તરને ઘટાડવાના કાર્ય યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર ફરીથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે તારીખ 11 સપ્ટેમ્બરે આ નિર્ણયની જાહેરાત કરી હતી. છેલ્લા બે વર્ષમાં આવો જ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે દિવાળી નિમિત્તે લોકો ફટાકડા ફોડતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બેન્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા પરના પ્રતિબંધમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને વકીલને કહ્યું હતું કે, "જો તમને ફટાકડા ફોડવાનું મન થાય તો એવા રાજ્યમાં જાઓ જ્યાં પ્રતિબંધ નથી અને ત્યાં ફોડો...."
સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો: તિવારીના વકીલે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. વકીલે રજૂઆત કરી હતી કે તેઓ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી રહ્યા છે, જેમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ બોપન્નાએ કહ્યું, "જો કોઈ સરકારને લાગે છે કે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તિવારીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શશાંક શેખર ઝાએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ગ્રીન ફટાકડાને છૂટ આપવાના આદેશો છતાં દિલ્હી જેવા ઘણા રાજ્યોએ સંપૂર્ણ પ્રતિબંધ છે.