હૈદરાબાદ: ભારત લોકતાંત્રિક દેશ બન્યાનાં સિત્તેર વર્ષ પછી પ્રશ્ન, "શું પ્રેમ અપરાધ છે?" ચર્ચામાં આવ્યો છે. પ્રેમના નામે મોટી જાળ ફેંક્યા પછી કરાવાતાં સાંપ્રદાયિક પરિવર્તનની સામે કડક બનેલી ઉત્તર પ્રદેશ સરકારે 'લવ જિહાદ'ના નામે અત્યાચારોને અટકાવવા વટહુકમ લાવ્યો છે.
ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં પહેલેથી જ સાંપ્રદાયિક પરિવર્તન સામેના કાયદા પ્રચલનમાં છે જ. આ કાયદાઓ કહે છે કે બળજબરી અથવા લાલચ અથવા છેતરપિંડીથી થતાં સાંપ્રદાયિક પરિવર્તનની સજા મળવી જોઈએ. ઉત્તર પ્રદેશનો કાયદો ઉપરોક્ત રાજ્યોના કાયદાઓમાં ઉમેરો કરતા કહે છે કે લગ્નના નામે બીજા સંપ્રદાયમાં પરિવર્તન કરાવવું પણ સજાને પાત્ર હોવું જોઈએ.
જોકે એવો દાવો કરાય છે કે ન્યાયમૂર્તિ મિત્તલની અધ્યક્ષતામાં રાજ્ય કાનૂની સમાજ દ્વારા ગત નવેમ્બરમાં સુપ્રત કરાયેલા અહેવાલના આધારે આ તાજો વટહુકમ જાહેર કરાયો છે. આ યોગી આદિત્યનાથનો ત્યારથી વિચાર હતો જ્યારે તેઓ હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ હતા. નવો કાયદો કહે છે કે જે કોઈ પણ તેનો સંપ્રદાય બદલવા માગે તો તેણે બે મહિના પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવાની રહેશે. કાયદો વધુમાં કહે છે કે જો માત્ર ને માત્ર સાંપ્રદાયિક પરિવર્તનના આશયથી જ કાયદા સમક્ષ કોઈ લગ્ન થાય અને જો કન્યાનો સંપ્રદાય લગ્ન પહેલાં કે પછી બદલાય તો આવાં લગ્ન કાયદેસર નહીં રહે.
એમાં કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશનો વટહુકમ સર્વોચ્ચ ન્યાયાલયે વર્ષ 2018માં આપેલા ચુકાદાના ઉલ્લંઘનરૂપ છે. આ ચુકાદામાં સ્પષ્ટ કરાયું હતું કે બંધારણની કલમ ૨૧ હેઠળ લગ્ન કરવાનો દરેક વ્યક્તિનો અધિકાર છે. આથી જ ન્યાયમૂર્તિ મદન લોકુર કડક રીતે વિરોધ કરી રહ્યા છે કે ઉત્તર પ્રદેશનો વટહુકમ જીવનસાથી પસંદ કરવામાં વ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગતતાને દબાવી રહ્યો છે.
ભારતમાં સાંપ્રદાયિક પ્રચાર વિશે બંધારણ સભા, જે વિવિધ સંપ્રદાયોના મહાનુભાવોની બનેલી હતી,માં વિગતવાર ચર્ચા થઈ હતી. પંથના પ્રચાર માટે ખ્રિસ્તીઓની વિનંતીનો સ્વીકાર કરતા, બંધારણમાં સાંપ્રદાયિક પરિવર્તનને લગતી બાબતનો બંધારણમાં સમાવેશ કરાયો નહોતો અને વિધાનપાલિકાની વિવેકબુદ્ધિ પર તે છોડી દેવાયું હતું પરંતુ સાંપ્રદાયિક પ્રચારના કારણે કાયદો અને વ્યવસ્થા, નૈતિક સિદ્ધાંતોને અસર થવી ન જોઈએ. ઓડિશા અને મધ્ય પ્રદેશે સાંપ્રદાયિક પરિવર્તન સામે 1967-68માં સાંપ્રદાયિક પરિવર્તનો સામે કાયદા બનાવ્યા હતા, સર્વોચ્ચ ન્યાયાલયે તેમનું 1977માં સમર્થન કર્યું હતું.
એવું સ્પષ્ટ કરાયું હતું કે જ્યારે તણાવ ખૂબ જ વધી જાય, સરકારોને તેમના પર પ્રતિબંધ મૂકવાનો દરેક અધિકાર હશે. ભારતમાં દર વર્ષે 36 હજાર આંતર સંપ્રદાય લગ્નો થાય છે, તેમાંના 1/6 લગ્નો એકલા ઉત્તર પ્રદેશમાં જ થાય છે. વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)નો અહેવાલ કહે છે કે ઉત્તર પ્રદેશમાં આવાં લગ્નોના કારણે સામાજિક તણાવ વધ્યો હોય તેવા કોઈ પુરાવા નથી.
જે ચિંતા સર્જે છે તે બાબત એ છે કે છેતરપિંડી અથવા બળજબરીથી સાંપ્રદાયિક પરિવર્તનના બહાને, વડીલોની સંમતિથી થતાં લગ્નો પણ કડક કાયદાઓ દ્વારા રોકવામાં આવી રહ્યાં છે. અનેક પ્રસંગે ન્યાયાલયોએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેની ઈચ્છાથી સંપ્રદાય બદલે, અન્ય સંપ્રદાયમાં ભળે તો તે કલમ 25માં સમાવિષ્ટ મૂળભૂત અધિકાર હેઠળ આવે છે અને દરેક પુખ્ત વયની વ્યક્તિને તેનો/તેણીનો જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે. ઉત્તર પ્રદેશ સરકારે ઉતાવળમાં લીધેલા ખોટાં પગલાં સામે સર્વોચ્ચ ન્યાયાલયમાં એક જાહેર હિતની યાચિકા કરવામાં આવી છે જેમાં લોકોના મૂળભૂત અધિકારોને સુધારવાનો વિધાનપાલિકા સંસ્થાઓને કોઈ હક નથી તેમ કહેવામાં આવ્યું છે. માત્ર એક મહિનામાં, અલ્હાબાદ ઉચ્ચ ન્યાયયાલયે આંતરજ્ઞાતીય, આંતર સંપ્રદાયના આધારે લગ્ન કરનાર 125 યુગલોની સુરક્ષાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભમાં લવ જિહાદ લગ્નો સામે આવા ઉતાવળિયા કાયદાઓ સામે ન્યાયાલયો સાચા ન્યાયકર્તા હોવા જોઈએ.