શિમલાઃ આ વખતે ચોમાસાએ હિમાચલ પ્રદેશમાં ભયંકર તબાહી મચાવી છે. પૂર, ભારે વરસાદ અને ભૂસ્ખલનને પરિણામે સમગ્ર પ્રદેશને અંદાજીત રૂ. 10000 કરોડનું નુકસાન થયું છે. જ્યારે 330 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન જનજીવનને પુનઃ સ્થાપિત કરવા માટે હિમાચલ સરકારે કેન્દ્રને હિમાચલની કુદરતી આફતને રાષ્ટ્રીય વિપત્તિ જાહેર કરવાની માંગણી કરી હતી જેને કેન્દ્રએ નકારી કાઢી હતી.
'પ્રદેશમાં રાહત અને બચાવકાર્ય રાત દિવસ ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર કુદરતી આફતમાં સપડાયેલાઓને બનતી મદદ કરી રહી છે. જે લોકો બેઘર થઈ ગયા છે તેમણે રાજ્ય સરકારે યથાયોગ્ય મદદ કરી છે. સુક્ખુએ જણાવ્યું કે અગાઉ કુદરતી આફતથી થયેલા નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું. અમારે કેન્દ્ર સરકાર પાસેથી સમયસર સહાયની જરૂર છે કારણ કે આ આફતથી હિમાચલને રૂ. 10000 કરોડનું નુકસાન થયું છે.આ કુદરતી આફતને રાજ્ય વિપત્તિ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. -'સુખવિંદર સિંહ સુક્ખુ, મુખ્યમંત્રી, હિમાચલ પ્રદેશ
શિમલા જિલ્લામાં વધુ મૃત્યુ થયાઃ પહાડી વિસ્તારમાં વાદળ ફાટવું, ભારે વરસાદ, ભૂસ્ખલન વારંવાર થતું રહે છે. જેમાં શિમલા જેવા અનેક જિલ્લા સામેલ છે. શિમલાના સમરહિલ વિસ્તારમાં શિવવાડી મંદિર ધસી પડતા અનેક લોકો દબાઈને મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધી 15 મૃતદેહ શોધી કઢાયા છે. જ્યારે અનેક લોકો ગુમ છે. હજુ પણ શિવવાડી મંદિરના કાટમાળમાં 6 લોકો દબાયાની આશંકા છે. ગયા એક અઠવાડિયામાં ભારે વરસાદમાં 75 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી 22 લોકો શિમલા જિલ્લાના છે. જ્યારે ફાગલી અને કૃષ્ણનગરમાં થયેલા ભૂસ્ખલનમાં 22 લોકો મૃત્યુ પામ્યા છે.