પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના નાના ઝઘડાને છૂટાછેડાના કાયદા હેઠળ ક્રૂરતા તરીકે જોવામાં આવશે, તો ઘણા લગ્ન તૂટી જશે અને દરેક વ્યક્તિ તેના આધારે છૂટાછેડા માંગવા લાગશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તેના જીવનસાથી પર લગ્નેતર સંબંધ હોવાનો આરોપ મૂકે છે, તો આરોપ સ્પષ્ટપણે જણાવવો જોઈએ.
આ ટિપ્પણી જસ્ટિસ એસડી સિંહ અને જસ્ટિસ શિવશંકર પ્રસાદની ડિવિઝન બેંચે ગાઝિયાબાદના રોહિત ચતુર્વેદીને છૂટાછેડા માટે સીધી પરવાનગી આપવાને બદલે અલગ રહેતા પરિણીત દંપતીને ન્યાયિક છૂટાછેડા આપવાનો નિર્દેશ આપતાં કરી હતી. કોર્ટે પતિ-પત્ની વચ્ચેના દરેક નાના-નાના ઝઘડાને ક્રૂરતા ગણવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું, જો અદાલતો નાના વિવાદો અથવા ઘટનાઓને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવાનું શરૂ કરે છે અને તેને ક્રૂરતાના અર્થ તરીકે જોશે તો ઘણા લગ્નો તૂટી શકે છે.
શું છે સમગ્ર કેસ:
કેસના તથ્યો અનુસાર, કપલના લગ્ન 2013માં થયા હતા. પતિનો આરોપ છે કે તેની પત્નીએ લગ્ન સંબંધ નિભાવવાનો કરવાનો ઇનકાર કર્યો હતો અને તેના માતા-પિતા સાથે મારપીટ કરી હતી. પત્નીએ તેના પતિને ચોર કહ્યો અને ભીડને તેનો પીછો કરવા ઉશ્કેર્યો. કોર્ટને કહેવામાં આવ્યું કે મહિલાએ તેના પતિ વિરુદ્ધ દહેજનો કેસ પણ દાખલ કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દંપતી જુલાઈ 2014 સુધી સાથે રહેતા હતા પરંતુ ત્યારથી તેઓ સાથે નથી. બાદમાં પતિએ ફેમિલી કોર્ટમાં પત્નીની ક્રૂરતાને ટાંકીને છૂટાછેડાની માંગણી કરી હતી. દરમિયાન પત્નીએ પતિ પર અનૈતિક સંબંધોનો આરોપ લગાવ્યો હતો. ફેમિલી કોર્ટે છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યા બાદ પતિએ આ અરજી કરી હતી.