- દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ
- ટ્રેક્ટર રેલી રોકવાનું કામ પોલીસનું છે, રેલી નીકાળવી કે રોકવી તે પોલીસ નક્કી કરેઃ સુપ્રીમ કોર્ટ
- કેન્દ્ર સરકારે ખેડૂતોની આ રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં કરી હતી એક અરજી
- સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે, આ અંગે હવે 8 અઠવાડિયા પછી સુનાવણી થશે
નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ખેડૂતોને ટ્રેક્ટર રેલીને રોકવાનો નિર્ણય પોલીસ કરશે. આ અધિકાર માત્ર પોલીસ પાસે છે. કોર્ટે આ મામલામાં દખલગીરી કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, ટ્રેક્ટર રેલી માટે પોલીસ જરૂરી આદેશ કરે અને સરકાર પોતાની અરજી પાછી લઈ શકે છે. આ પહેલા સોમવારે એટલે કે 18 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 26મી જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા યોજાનારી રેલી એ કાયદા વ્યવસ્થાથી જોડાયેલો મુદ્દો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં કોને પ્રવેશ આપવામાં આવે અને કોને નહીં આ નિર્ણય કરવાનો પહેલો અધિકાર પોલીસનો છે.
ખેડૂતોની ટ્રેક્ટર રેલીથી પ્રજાસત્તાક દિવસે યોજાનારા સમારોહમાં અડચણ થશેઃ કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીને રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે, જેમાં કેન્દ્ર સરકારે આક્ષેપ કર્યો છે કે, ખેડૂતોની આ રેલીથી પ્રજાસત્તાક દિવસે યોજાનારા સમારોહ અને સભાઓમાં અડચણ ઊભી થશે. એટલે આ રેલી રોકવામાં આવે. જ્યારે કોર્ટે 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે, આ મામલે હવે આઠ અઠવાડિયા બાદ સુનાવણી કરાશે. ત્યાં સુધી સમિતિ પોતપોતાના મંતવ્ય આપશે.
ખેડૂતોનું એક જ રટણ કૃષિ કાયદા પાછા ખેંચો
ઉલ્લેખનીય છે કે, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ સહિત દેશના વિભિન્ન હિસ્સાથી આવેલા હજારો ખેડૂતો 50થી વધુ દિવસ સુધી દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ત્રણ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.