નવી દિલ્હી : દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં કેસની સુનાવણી કરતા ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, બેંચનો પ્રશ્ન કાનૂની પ્રશ્ન છે અને તે કોઈને ફસાવવા માટે કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનિય છે કે, મનીષ સિસોદિયા વતી અભિષેક મનુ સિંઘવી કેસની વકીલાત કરી રહ્યા છે. તેઓએ કોર્ટ સમક્ષ તમામ હકીકતો અને દલીલ રજૂ કરી હતી.
સિંઘવીની દલીલ : અભિષેક સિંઘવીએ ખંડપીઠ સમક્ષ એક ચાર્ટ રજૂ કર્યો હતો. જેમાં સીબીઆઈ અને ED દ્વારા નોંધાયેલા કેસમાં બુધવારે કરવામાં આવેલી ધરપકડની વિગતો અને કેસમાં સહ-આરોપીઓની જામીન મળવાની તારીખ હતી. ED ના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે, ઈન્ડોસ્પિરિટ કંપનીને ભાગીદારી હેઠળ લાયસન્સ મળ્યું હતું. અભિષેક સિંઘવીએ કહ્યું કે, મારા અસીલને વિજય નાયર સાથે કોઈ લેવાદેવા નથી. તે માત્ર આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો. જેણે આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ આપતો હતો.
નિવેદનમાં વિરોધાભાસ ? કોર્ટમાં દલીલ રજૂ કરતી વખતે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મનીષ સિસોદિયા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તેના કોઈ પુરાવા મળ્યા નથી. અત્યાર સુધીમાં જેટલા નિવેદનનો કારણે મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે, તે તમામ નિવેદનોમાં વિરોધાભાસ છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં AAP પાર્ટીને આરોપી બનાવવામાં આવી છે.
ED ના વકીલનો ખુલાસો : ED ના વકીલ એસવી રાજુએ કહ્યું કે, આ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી કેમ ન બનાવવામાં આવે ? અમને કોઈ પુરાવા મળશે તો કોઈને પણ માફ કરવામાં નહીં આવે. ઉલ્લેખનિય છે કે, બુધવારે ED એ આ કેસમાં રાજ્યસભા સાંસદ સંજયસિંહની ધરપકડ કરી હતી. સંજયસિંહને બપોર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી સંજયસિંહની ધરપકડને લઈને આજે વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ સાથે આપ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.