- કોરોના વેક્સીનને લઈને દેશવાસીઓ માટે રાહતના સમાચાર
- દેશના તમામ લોકોને કોરોના વેક્સીન મફતમાં ઉપલબ્ધ થશે
- કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને શનિવારે કરી જાહેરાત
નવી દિલ્હીઃ કોરોના વેક્સીન હવે માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં પણ મફત આપવામાં આવશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને શનિવારે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સીન માત્ર દિલ્હીમાં જ નહીં તમામ રાજ્યોમાં મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે કોરોના વેક્સીનનો ડ્રાય રન ચાલી રહ્યો છે. આ અભિયાનમાં આવનારા પડકારોને ઓખવામાં આવશે. પડકારોને ઓળખવા અને વેક્સીન અંગેની યોજનાઓને જાણવા માટે આ ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે દિલ્હીના ગુરૂ તેગ બહાદૂર હોસ્પિટલમાં ચાલી રહેલા ડ્રાય રનની સમીક્ષા પણ કરી હતી.
દેશવાસીઓ અફવાથી દૂર રહેઃ કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન
જ્યારે કોરોના વેક્સીનના ઉપયોગને લઈને ફેલાવવામાં આવતી અફવાઓથી દૂર રહેવા કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું છે. તેમણે કહ્યું છે કે, મારી અપીલ છે કે દેશવાસીઓ કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરે. ભારતની સરકાર દેશના લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માગે છે. વેક્સીનનો વિકાસ પણ એ જ પ્રક્રિયાનો હિસ્સો છે.