વારાણસી: પુરાતત્વીય સર્વેક્ષણ એટલે કે જ્ઞાનવાપી સંકુલના ASI સર્વેનું કામ 2 નવેમ્બરે જ પૂર્ણ થઈ ગયું હતું. ત્યાર બાદ કોર્ટે ASIને રિપોર્ટ દાખલ કરવા માટે 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. તેમ છતાં પણ અનેક વખત તારીખ લંબાવાવમાં આવી હોવા છતાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નહોતો. કોર્ટે છેલ્લી વખત 11 ડિસેમ્બરે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે દિવસે પણ રિપોર્ટ રજૂ કરી શકાયો નહોતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વકીલ દ્વારા તબીબી આધાર પર એક સપ્તાહનો વધારાનો સમય માંગવામાં આવ્યો હતો. ASIએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ASI સુપરિન્ટેન્ડેન્ટ અવિનાશ મોહંતીની તબિયત સારી નથી. બ્લડ પ્રેશર વધી જવાને કારણે તે કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ રજૂ કરી શકતા નથી. તેથી ASIને વધુ એક સપ્તાહનો સમય આપવો જોઈએ. જેના પર કોર્ટે 18 ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. માનવામાં આવે છે કે ASI આજે રિપોર્ટ દાખલ કરી શકે છે.
4 ઓગસ્ટથી શરૂ થયો હતો સર્વેઃ એવું માનવામાં આવે છે કે 21 જુલાઈના સર્વે બાદ 4 ઓગસ્ટથી શરૂ થયેલા સર્વેમાં મળેલી દરેક માહિતીને આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવી છે. વારાણસીની ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાંથી આદેશ મળ્યા બાદ ASIએ 21 જુલાઈએ સર્વેની કાર્યવાહી શરૂ કરી હતી. વચ્ચે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાના કારણે તેને અટકાવી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં તેની સુનાવણી ફરી શરૂ થઈ ત્યારે કોર્ટના આદેશ બાદ આ સર્વે 4 ઓગસ્ટથી સતત ચાલુ રહ્યો હતો. જેમાં ASIની ટીમે જ્ઞાનવાપીના ગુંબજથી માંડીને સંકુલમાં હાજર વ્યાસજીના ભોંયરા, મુસ્લિમ પક્ષના ભોંયરા અને અન્ય ભાગોમાં તપાસ ચાલુ રાખી હતી. એએસઆઈની ટીમને વૈજ્ઞાનિક અહેવાલ રજૂ કરવા માટે અગાઉ 4 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો હતો અને 6 સપ્ટેમ્બરે કોર્ટે વધારાનો સમય આપ્યો હતો અને 17 નવેમ્બરે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ દિવસે પણ રિપોર્ટ તૈયાર ન હોવાની વાત કરીને તેમણે વધુ 10 દિવસનો વધારાનો સમય લીધો હતો અને 28મી નવેમ્બરે રિપોર્ટ જમા કરાવવા અપીલ કરી હતી પરંતુ તે દિવસે પણ રિપોર્ટ દાખલ થઈ શક્યો ન હતો. 30 નવેમ્બરે કોર્ટે 11 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું, પરંતુ આ દિવસે પણ મેડિકલ ગ્રાઉન્ડ પર રિપોર્ટ રજૂ કરી શકાયો નહીં, તેથી આજે ASI કોર્ટમાં રિપોર્ટ જમા કરાવવાનો પ્રયાસ કરી શકે છે.
વજૂખાના સિવાય સમગ્ર સંકુલનો સર્વે કરવામાં આવ્યોઃ જિલ્લા અદાલતે પાંચ હિન્દુ મહિલાઓ તરફથી વજૂખાનાને બાદ કરીને સમગ્ર સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની માંગણી પર આ આદેશ આપ્યો હતો. જેનો અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિ સતત વિરોધ કરતી રહી. પરંતુ સર્વેની કામગીરી ચાલુ રહી હતી. મીડિયા કવરેજ જોતા, મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો કે અંદર શું મળી રહ્યું છે અને સર્વેક્ષણ પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે તે અંગે ભ્રમની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. જે બાદ કોર્ટે મીડિયા કવરેજને વ્યવસ્થિત અને યોગ્ય રીતે કામ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારથી સર્વેની પ્રક્રિયા ચાલી રહી હતી.
ભોંયરામાં ખંડિત મૂર્તિઓ મળવાનો દાવોઃ ગત વર્ષે પણ જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી શરૂ કરાતા પહેલા અનેક પુરાવા મળ્યા હતા. આ દરમિયાન વકીલ અને કમિશનરની નિમણૂક સાથે અહીં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. દિવાલો પર ત્રિશૂળ, કલશ, કમળ, સ્વસ્તિકના ચિહ્નો મળવાની સાથે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભોંયરામાં ઘણી ખંડિત મૂર્તિઓ મળી આવી છે. ત્યાર બાદ આ સર્વેમાં આ તમામ બાબતોને સુરક્ષિત અને સંરક્ષિત કરવાની માંગ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેને મહત્વપૂર્ણ પુરાવા તરીકે ધ્યાનમાં લેતા કોર્ટે આ તમામ પુરાવાઓને જિલ્લા મેજિસ્ટ્રેટ વારાણસીની દેખરેખ હેઠળ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સર્વે પૂર્ણ થવાની સાથે એએસઆઈની ટીમ દ્વારા સુરક્ષીત રખાયો જેમાં 300 થી વધુ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
સર્વેમાં રડાર ટેક્નોલોજીનો પણ ઉપયોગ: કહેવાય છે કે આજે 11 વાગ્યા બાદ ASIની ટીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરશે. કોર્ટના આદેશ અનુસાર આ રિપોર્ટ સીલ બંધ પરબીડિયામાં કોર્ટમાં દાખલ કરવાનો રહેશે. ટીમ તરફથી સર્વેમાં રડાર ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કાનપુર IITની ટીમ સાથે લગભગ 20 દિવસ સુધી રડાર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી કેમ્પસના દરેક ભાગની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત ટીમે એક્સ-રે મશીનની મદદથી લગભગ 8 ફૂટ ભૂગર્ભમાં છુપાયેલા રહસ્યોને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.