ગાંધીનગર : રાજ્ય સરકારના પ્રધાન મંડળના સભ્યોની દર બુધવાર સવારે 10 કલાકે કેબીનેટ બેઠક યોજાય છે. ત્યારે હાલમાં સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 26 એપ્રિલના રોજ સોમનાથ ખાતે પુર્ણાહુતી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ત્યારે ગુજરાત સરકારનો પ્રતિનિધિ મંડળ પણ સોમનાથ ખાતે હાજર રહેશે. જેથી કેબિનેટની બેઠક સાંજે 5.15 કલાકે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાણીની સમસ્યા પર ચર્ચા : રાજ્યમાં ઉનાળાની ગરમી ભારે વર્તાઇ રહી છે. રાજ્યમાં પીવાના પાણીને લઈને કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે પાણી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અંદર પીવાના પાણીનો કેટલો જથ્થો છે અને કયા વિસ્તારમાં પાણીની વિકટ પરિસ્થિતિ થશે અથવા તો જો થાય તો તેને નિવારવા માટેનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવી શકે છે. આમ પાણી બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિ બાબતે ચર્ચા : ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ જૂનથી નજર નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ નવી શિક્ષણનીતિમાં કયા નિયમો અમલીકરણ થશે. તે બાબતની ખાસ ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં નિર્ણયમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર શિક્ષણનીતિના પ્રથમ વર્ષે જ ધોરણ 10 બોર્ડ રદ નહીં કરે તેવો પણ નિર્ણય પણ કેબીનેટ બેઠકમાં કરી શકે છે.
100માં એપિસોડનું ખાસ આયોજન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે મન કી બાતના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. ત્યારે 99 એપિસોડ પૂર્ણ થયા છે અને 30 એપ્રિલના રોજ 100મો એપિસોડ યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજાય તે બાબતે કેબિનેટ બેઠકમાં ખાસ આયોજન કરવામાં આવશે.
ગુજરાત સ્થાપના દિનની ઉજવણી : એક મેં 2023ના રોજ જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ રાજ્યકક્ષાની ઉજવણી માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી પણ જામનગર કલેકટરને કરી હોવાનું સામે આવ્યું છે. આ અંતર્ગત આજે ઉચ્ચ અધિકારીઓની ગાંધીનગરમાં ખાતે બેઠક પણ મળી હતી. ત્યારે 1 મેં ના રોજ રાજ્ય સરકાર કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ઉજવણી કરશે તેનું પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. ઉલ્લેખની એ છે કે તમામ વિભાગો પાસેથી 1 મે ની ઉજવણી બાબતની મુદ્દાઓ મંગાવવામાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરીને અંતિમ આયોજન ને મંજૂરી આપવામાં આવશે.