કોટ્ટયમ: કેરળના કોટ્ટયમ મેડિકલ કોલેજમાં દાખલ 12 વર્ષની બાળકીનું સોમવારે મોત (Girl dies due to dog bite) થયું હતું. આ છોકરીને થોડા અઠવાડિયા પહેલા રખડતા શ્વાને બચકુ ભર્યું હતું અને તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તબીબોએ મૃતક બાળકીને એન્ટિ રેબીઝના ત્રણ ઈન્જેક્શન પણ આપ્યા હતા, પરંતુ તે પછી પણ બાળકીનો જીવ બચી શક્યો ન હતો. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ તપાસમાં બાળકીનું મોત રેબીઝના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
શ્વાન કરડવાથી 12 વર્ષની બાળકીનું મોત : આ બાળકી 14 ઓગસ્ટની સવારે દૂધ લેવા ગઈ હતી, જ્યાં એક રખડતા શ્વાને અચાનક તેના પર હુમલો કર્યો (ગર્લ બિટન બાય સ્ટ્રે ડોગ) અને તેના શરીર પર એક જગ્યા પર બચકુ ભર્યું હતું. આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેને એન્ટિ રેબીઝ વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવ્યા હતા. ચોથો ડોઝ 10 સપ્ટેમ્બરે આપવાનો હતો. જો કે, શુક્રવારે સાંજે અચાનક તેની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને પથાનમથિટ્ટા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની તબિયતમાં સુધારો ન થતાં તેને કોટ્ટયમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી.
બાળકીના મૃત્યુને લઈને રાજ્યમાં ચિંતા વધી : કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે શનિવારે 12 વર્ષની બાળકીની સારવાર માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો હતો. રસીકરણ છતાં રેબીઝના ચેપને કારણે થયેલા મૃત્યુને લઈને રાજ્યમાં ચિંતા વધી રહી છે અને રાજ્યના મુખ્યપ્રધાને ગયા અઠવાડિયે વિધાનસભામાં પણ આ વાત જણાવી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, સરકાર કેરળની હોસ્પિટલોમાં અપાતી રેબીઝ વિરોધી રસીની ગુણવત્તાની તપાસ કરવા માટે નિષ્ણાત પેનલની રચના કરશે.