- પાકિસ્તાન જીત્યુ તો ભારતમાં અનેક જગ્યાએ ફૂટ્યા ફટાકડા
- આ મામલે નકવી, રાઉત, ગંભીર અને મુફ્તીએ જેવા નેતાઓએ આપ્યા નિવેદન
- ભારતની હારની ઉજવણી કરનારાઓ સામે કાર્યવાહી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના કેટલાક સ્થાનો પર ભારત પર પાકિસ્તાન (Pakistan) ટીમની જીતની ઉજવણી કરવાના સમાચાર સામે આવ્યા બાદ પોલીસે અનેક વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યા છે. આ મામલે રાજનેતાઓની નિવેદનબાજી પણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ના નિવેદન બાદ ભાજપ નેતા આક્રમક જોવા મળી રહ્યા છે. આ પ્રકરણમાં કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પણ ટિપ્પણી કરી છે.
દેશવિરોધી ગતિવિધિઓનો સાથ આપવો શરમજનક: મુખ્તાર અબ્બાસ નકવી
પાકિસ્તાનની જીત પર ઉજવણી કરવાના અને કેસ નોંધવા સંબંધમાં કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે જણાવ્યું કે, સરકારી મેડિકલ કૉલેજ (MGC) અને શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના કેટલાક વિદ્યાર્થીઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, સાંપ્રદાયિકતાની જડ રાજકારણની વૃત્તિ બની ગઈ છે. તેમણે કહ્યું કે, આજે કાશ્મીરની સ્થિતિ વધારે સારી થઈ રહી છે. કાશ્મીરમાં શાંતિ જોવા મળી રહી છે, તો જે લોકો કાશ્મીરને અશાંત જોવા ઇચ્છે છે તેઓ હડબડાટમાં નિવેદનબાજી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ખુદ ગૃહપ્રધાન જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે. આનાથી લોકોનો વિશ્વાસ વધ્યો છે. દેશવિરોધી ગતિવિધિઓનો સાથ આપવો શરમજનક છે.
પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારા ભારતીય ન હોઈ શકે: ગૌતમ ગંભીર
આ ઉપરાંત ભાજપા સાંસદ ગૌતમ ગંભીરે આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારા ભારતીય ન હોઈ શકે. આ શરમજનક છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની જીતની ઉજવણીનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વિડીયોમાં જોઈ શકાય છે કે કોલેજના વિદ્યાર્થીઓએ રવિવારે ભારત સામે પાકિસ્તાનની જીત બાદ ઉજવણી કરી હતી અને ભારત વિરોધી નારા પણ લગાવ્યા હતા.
સંજય રાઉતે ભારત વિરોધી ઉજવણીને ગંભીરતાથી લેવા કહ્યું
ઉલ્લેખનીય છે કે આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે એક કથિત વિડીયો ટ્વીટ કર્યો હતો. વિડીયોની સાથે રાઉતે હિન્દીમાં ટ્વીટ કર્યું અને લખ્યું, 'આ ચોક્કસપણે ચિંતાનો વિષય છે કે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત અને ભારતની હારની ઉજવણી આવી રીતે કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની કાશ્મીર મુલાકાત દરમિયાન.' રાઉતે કહ્યું કે, કેન્દ્ર સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ.
મહેબૂબા ઉજવણીના સમર્થનમાં
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પાકિસ્તાનની જીતની ઉજવણી પર આટલો ગુસ્સો કેમ?' જીતની ખુશીને યોગ્ય ઠેરવવા માટે તેમણે વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું. મહેબૂબા મુફ્તીનું કહેવું છે કે, અસંમત થવા માટે સંમત થાઓ અને તેને વિરાટ કોહલીની જેમ યોગ્ય ભાવનાથી લો. જેમણે સૌથી પહેલા પાકિસ્તાની ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે મહેબૂબાએ પાક ટીમની ખુશીને જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે પણ જોડી દીધી.
પાકિસ્તાને ભારતીય ક્રિકેટ ટીમને આપ્યો હતો કારમો પરાજય
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ભારતને રવિવારના દુબઈમાં રમાયેલી ICC T20 વિશ્વ કપની મેચમાં હરાવી દીધું હતું. અહીં કોઈપણ વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની ભારતની વિરુદ્ધ પહેલી જીત છે. રવિવારના પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ભારતનો કોઈ ખેલાડી પ્રભાવશાળી સાબિત થયો નહોતો અને પાકિસ્તાને 18 ઑવરમાં જ મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનના ઑપનિંગ બેટ્સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ભારતની વિરુદ્ધ પાકિસ્તાનની જીતમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું.
આ પણ વાંચો: Aryan Khan Drugs Case : આર્યન ખાનની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ
આ પણ વાંચો: સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો