- નિર્મલા સીતારમણે બેંકોને લઈને કરી મોટી જાહેરાત
- ધિરાણની જરૂરિયાતો વધારવાની જરૂર
- કર્મચારીના છેલ્લા પગારના 30 ટકા જેટલું પેન્શન
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે બુધવારે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વીમા કંપનીઓના કર્મચારીઓ અને બેંકોના કર્મચારીઓને લઈને ચ્રર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મૃતક કર્મચારીના પરિવારને હવે કર્મચારીના છેલ્લા પગારના 30 ટકા જેટલું પેન્શન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
છેલ્લા પગારના 30 ટકા જેટલું પેન્શન
આ ઉપરાંત, નાણાકીય સેવા વિભાગના સચિવે જણાવ્યું હતું કે, NPS હેઠળ કર્મચારીઓના પેન્શન માટે જાહેર ક્ષેત્રની બેંકોનું યોગદાન 10 થી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોના મૃતક કર્મચારીના પરિવારને હવે કર્મચારીના છેલ્લા પગારના 30 ટકા જેટલું પેન્શન મળશે. અગાઉ આ પેન્શનની રકમ 9,284 રૂપિયા હતી.
કર્મચારીઓએ ડરવાની જરૂર નથી
નાણાપ્રધાને ખાતરી આપી હતી કે, સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓએ ડરવાની જરૂર નથી. સરકાર તેમની ચિંતાઓ સમજે છે. જાહેર ક્ષેત્રની બેંકોને નિકાસકારોની સંસ્થાઓ સાથે વાતચીત કરવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે, બેંકો તેમની જરૂરિયાતો વિશે સમજી શકશે. નાણાપ્રધાને કહ્યું કે, બેંકોને રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી 'એક જિલ્લો, એક નિકાસ' એજન્ડાને આગળ લઈ શકાય. બેંકોને ફિનટેક સેક્ટરને મદદ કરવાનું કહેવામાં આવ્યું છે.
દરેક જિલ્લામાં લોન આપવાનો પ્રયાસ
તેમણે કહ્યું કે પૂર્વ ભારતના રાજ્યોમાં થાપણો વધી રહી છે, પરંતુ ધિરાણની જરૂરિયાતો વધારવાની જરૂર છે. નાણાપ્રધાને કહ્યું કે બેંકોને લોજિસ્ટિક્સ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્તર પૂર્વીય પ્રદેશ માટે રાજ્યવાર યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સીતારમણે કહ્યું કે, પ્રોત્સાહનોની ગતિ જાળવી રાખવા માટે બેંકોન દેશના દરેક જિલ્લામાં લોન આપવાનો પ્રયાસ કરશે.