નવી દિલ્હીઃ આજે (ગુરૂવાર) પંજાબ અને હરિયાણાના ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ માટે સેંકડો ખેડૂતો ટ્રેકટર અને ટ્રકો ભરીને દિલ્હી ગયા છે. આ ખેડૂતો દ્વારા કેન્દ્રએ તાજેતરમાં પસાર થયેલા કૃષિ કાયદાઓનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ખેડૂત સંઘે દાવો કર્યો છે કે, હજારો ખેડૂતો આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનને જોતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હરિયાણાએ પંજાબ સાથેની તેની સરહદો પણ સીલ કરી દીધી છે.
દિલ્હીમાં પણ પોલીસે ખેડૂતોને રોકવા માટે નક્કર બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે રાજધાનીમાં ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે, જો કોરોના સંક્રમણ દરમિયાન ખેડૂતો દિલ્હીમાં ભેગા થાય છે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હરિયાણા અને યુપી નહીં જાય દિલ્હી મેટ્રો
ખેડૂતોના મહાવિરોધ પ્રદર્શનને કારણે દિલ્હી મેટ્રોને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે બપોરે 2 કલાક સુધી દિલ્હીથી નોઈડા, ફરિદાબાદ, ગાજિયાબાદ અને ગુરૂગ્રામ સુધીની મેટ્રો સેવા બંધ રહેશે. જ્યારે ડીએમઆરીસી અનુસાર બ્લુ લાઈમ પર આજ સવારથી બપોર 2 કલાક સુધી આનંદ વિહારથી વૈશાલી અને ન્યુ અશોક નગરથી નોઈડા સિટી સેન્ટર સુધીની મેટ્રો સેવા પણ બંધ રહેશે.
પંજાબ હરિયાણા સીમા પર ખેડૂતોનો જમાવડો
ભારતીય કિસાન યુનિયનના (EU) મહાસચિવ સુખદેવ સિંહે કહ્યું કે, આ મહાવિરોધ પ્રદર્શનમાં 25 હજાર મહિલાઓ અને 4 હજાર ટ્રેક્ટર સામેલ થશે. સંગઠને કહ્યું છે કે, તેમના બે લાખ સભ્યો ખનૌરી અને ડબાવલીથી હરિયાણામાં પ્રવેશ કરશે. મળતી માહિતી અનુસાર દિલ્હીમાં ધરણાં માટે નિકળેલા ખેડૂતો ખાવા-પીવાની વસ્તુઓ અને કપડા સાથે લઈને નીકળા છે.