- બનાવટી ઈન્જેક્શન કેસમાં સંકળાયેલા 4 આરોપીઓની ધરપકડ
- ચારેય આરોપીઓની ગુજરાત પોલીસે ધરપકડ કરી
- આરોપીઓને સુરક્ષા વોરંટ સાથે જબલપુર લાવવામાં આવ્યા
જબલપુરઃ જબલપુર પોલીસે બનાવટી રેમડેસિવીર ઈન્જેક્શન કેસમાં સંડોવાયેલા જબલપુરની સિટી હોસ્પિટલના સંચાલક સરબજીતસિંહ મોખા, તેના પુત્ર અને પત્ની સહિત 6 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે. બનાવટી રેમડેસિવીર ઈન્જેક્શનની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓ જે ગુજરાત પોલીસની કસ્ટડીમાં હતા, તેઓને બુધવારે પ્રોટેક્શન વોરંટમાં જબલપુર લાવવામાં આવ્યા છે. હવે આ કેસમાં આ ચારેય આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.
ગુજરાતમાં ધરપકડ કરાઈ
ગુજરાત પોલીસના હાથે ઝડપાયેલા ચાર આરોપીઓ સપન જૈન, સુનીલ મિશ્રા, પુનીત શાહ અને કૌશલ વોરાને બુધવારે સવારે જબલપુર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. આ દરમિયાન એસઆઇટીના વડા રોહિત કાસવાણી સહિતના ઘણા પોલીસ અધિકારીઓ જિલ્લા હોસ્પિટલમાં હતા. બનાવટી રીમડેસિવીર ઈન્જેક્શન કેસમાં ચારેય આરોપીઓની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ પુછપરછ દરમિયાન અનેક ઘટસ્ફોટ કર્યા હતા.
આ પણ વાંચોઃ ઇન્દોર: બનાવટી રેમડેસીવીર કેસની પોલીસ કરી રહી છે બારીકાઈથી તપાસ
બનાવટી રીમડેસિવીર ઈન્જેક્શન એક ખેપ જબલપુર પહોંચી
એસઆઈટીના વડા રોહિત કાસવાણીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ગુજરાતમાં ગઈ હતી અને ચારેયને પ્રોટેક્શન વોરંટથી જબલપુર લઈ આવી હતી, જ્યાં ગુરુવારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ રિમાન્ડ લેવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કૌશલ વોરા અને પુનીત શાહે ગુજરાતના સુરતમાં નકલી રેમડેસિવીર ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઉભી કરી હતી. બનાવટી ઇંજેક્શંનની એક ખેપ સપન જૈન દ્વારા જબલપુર અને ઇન્દોર લાવવામાં આવી હતી.