ગુવાહાટી : આસામમાં પૂરની સ્થિતિ વણસી રહી છે. વહિવટી તંત્રમાંંથી મળતી માહિતી મુજબ ભૂટાન સરકારે કુરીશો ડેમમાંથી 14 જુલાઈની મધરાતે 12 વાગ્યાથી પાણી છોડવાનું શરુ કર્યું છે. ભૂટાન સરકારે આ અંગે આસામ સરકારને જાણ કરી હતી. કુરીશો ડેમનું પાણીનું સ્તર ભૂટાનના નીચલા ભાગમાં આવેલા આસામના બારપેટા, બાણગાંવ અને નલબારી જિલ્લાઓને અસર કરી શકે તેટલું છે.
સીએમએ આપી જાણકારી : ઉલ્લેખનિય છે કે, છેલ્લા વર્ષોમાં ચોમાસાની ઋતુમાં કુરીશો ડેમના પાણીને કારણે આસામના જિલ્લાઓમાં ઘણું નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે ફરી ભુટાનના ડેમમાંથી પાણી છોડવામાં આવશે તેવી જાણકારી આસામ સરકારને મળી હતી. આ અંગે આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે કુરિશાનું પાણી ખોલવામાં આવશે.
પાણી નિયંત્રિત રીતે છોડ્યું : કુરીશો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલ ડેમનું સંચાલન ભૂટાનની ડૂક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૂક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડેમમાં સંગ્રહિત પાણીને નિયંત્રિત રીતે છોડવામાં આવ્યું છે. શુક્રવારે સવારે 9 વાગ્યા સુધીમાં પાણી છોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ભૂટાન સરકારે આપી માહિતી : આ અંગે આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ જણાવ્યુ હતું કે રોયલ ભૂટાનની સરકારે અમને આ બાબતે જાણ કરી છે. કુરીશો ડેમમાંથી આજે રાત્રે વધારાનું પાણી છોડવામાં આવશે. આસામ સરકારે જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવા જણાવ્યું છે. મુખ્ય પ્રધાને ટ્વિટ કર્યું કે, બેકી અને માનસ નદીઓ પાણીથી ભરેલી છે. હું તમને મદદ કરવા માટે આ ચેતવણી જાહેર કરી રહ્યો છું.
કુરીશો નદી : ઉલ્લેખનિય છે કે, આસામના 19 રહેણાંક વિસ્તારના 179 ગામો પૂરથી પ્રભાવિત છે. પૂરના કારણે સમગ્ર આસામમાં 2211.99 હેક્ટર પાકને અસર થઈ છે. ચિરાંગમાં પૂરથી 14,328 લોકો પ્રભાવિત થયા છે. કુરીશો પૂર્વ ભુતાનની મુખ્ય નદી છે. આ નદી ભુતાનના મુંગ જિલ્લામાં આવેલી છે. કુરીશો મનાહની મુખ્ય ઉપનદી છે. તે તિબેટમાંથી વહેતી એક મોટી નદી છે. તિબેટીયન વિસ્તારમાં તેને લોઝાગ નુબ્બકુ કહેવામાં આવે છે.