- ચૂંટણી પંચની 26 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
- 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે
- બંગાળ, આસામ, પોંડિચેરી, તામિલનાડુ, કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ
નવી દિલ્હી : ચૂંટણી પંચ આજે 26 ફેબ્રુઆરીએ સાંજે 4.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી શકાય છે. મળતી માહિતી મુજબ, બંગાળ, આસામ, પોંડિચેરી, તામિલનાડુ, કેરળમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ નક્કી કરી શકે છે.
વિધાનસભા ચૂંટણી સંગ્રામ | |
---|---|
રાજ્ય | વિધાનસભા બેઠકો |
પશ્ચિમ બંગાળ | 294 |
આસામ | 126 |
તામિલનાડુ | 234 |
કેરળ | 140 |
પોંડિચેરી | 30 |
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો
પશ્ચિમ બંગાળમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસ(TMK)નું શાસન છે. 2016માં યોજાયેલી ચૂંટણીમાં TMCને 211 બેઠક મળી હતી, જ્યારે લેફ્ટિસ્ટ અને કોંગ્રેસના ગઠબંધનને 76 બેઠક મળી હતી. પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં ચાલુ વર્ષે ચોજાનારી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહેલા ભાજપને માત્ર 3 બેઠક મળી હતી. જ્યારે અન્ય પક્ષોને 4 બેઠક મળી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 42માંથી 28 બેઠક મળી હતી. જે કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે પોતાની પૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. ચાલુ વર્ષે યોજાનારી ચૂંટણી TMC Vs BJP થઈ ગઈ હોય તેમ જણાઇ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ, ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચે મહાગઠબંધન થાય તેવી પૂરી શક્યતા છે. ફુરફુરા શરીફના ભારતીય સેક્યુલર મોરચાને 30 બેઠક ફાળવવામાં આવી છે.
આસામ વિધાનસભા - 126 બેઠક
ગત ટર્મમાં (વર્ષ 2016)માં આસામમાં ભાજપની સરકાર બની હતી. જેમાં ભાજપને 86 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 26 બેઠક અને AIUDFને 13 બેઠક મળી હતી, તો અન્ય પક્ષને 1 બેઠક હતી.
તામિલનાડુ વિધાનસભા - 234 બેઠક
તામિલનાડુમાં 234 બેઠક છે. જેમાંથી ગત ટર્મમાં AIDMK ગઠબંધનને 134 મળી હતી, જ્યારે DMK અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી. આ સાથે અન્ય પક્ષને 2 બેઠક મેળવવામાં સફળતા મળી હતી.
કેરળ વિધાનસભા - 140 બેઠક
સમગ્ર ભારતમાં ડાબેરીઓનો અંતિમ દૂર્ગ બનેલા કેરળમાં 140 બેઠક પર ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે અહીં LDFને 91 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 47 બેઠક પ્રાપ્ત થઇ હતી. ભાજપ અને અન્યને 1-1 બેઠક મળી હતી.
પોંડિચેરી વિધાનસભા - 30 બેઠક
પોંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 બેઠક છે. અહીં વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો હોય છે. અત્યારસુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગત અઠવાડિયે જ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી. આ કારણે CM નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં પોંડિચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.