સુરત: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધી (Eknath shinde gujarat) છે. હાલ, આ તમામ ધારાસભ્યો સ્પેશિયલ પ્લેન મારફતે સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે 2.30 નજીક આ તમામ ધારાસભ્યોને ત્રણ બસ મારફતે સુરતથી રવાના થયા હતા. આ દરમિયાન શિવસેનાના (Maha Vikas Aghadi) તમામ ધારાસભ્યોને મનાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તમામ કોશિશ નિષ્ફળ રહી હતી.
સુરત બન્યું એપી સેન્ટર : સુરત શહેર રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર બન્યું છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર શિવસેનાના ધારાસભ્યો સુરત આવ્યા હતા. પ્રધાન એકનાથ શિંદેની (Eknath shinde surat hotel) આગેવાનીમાં મહારાષ્ટ્રથી સેંકડો કિલોમીટર દૂર ગુજરાતના સુરત શહેરમાં આવેલી લે મેરીડિયન હોટેલમાં આવી પહોંચ્યા હતા. આ સમગ્ર મામલાને લઈને મહારાષ્ટ્ર સરકાર ચોંકી ગઈ હતી, એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમના નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી રવિન્દ્ર ફાટક અને મિલિંદ નાર્વેકરને આપી હતી, પરંતુ તેમને મનાવવાની કોશિશ નિષ્ફળ રહી હતી. 2 કલાક સુધી સતત તેમના પક્ષના ધારાસભ્યોને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં આવીને મહારાષ્ટ્રના MLA નિતીશ દેશમુખના ધમપછાડા,વૉર્ડબોયને લાફો માર્યો
નીતિન દેશમુખને પરિવારથી દૂર રખાયા : 35 ધારાસભ્યો પૈકીના એક નીતિન દેશમુખની અચાનક તબિયત લથડી હતી, જેના કારણે તેમને પણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ તેમની પત્નીએ પણ મહારાષ્ટ્રમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના પતિનું અપહરણ થયું હોવાનું વાત જણાવી હતી. સુરતની હોસ્પિટલમાં દાખલ નીતિન દેશમુખના વોર્ડની બહાર પોલીસ છાવણી તબદીલ થઈ ગઈ હતી, જ્યાં કોઈને જવા દેવાયા ન હતા, એકનાથ શિંદે મંગળવારે રાત્રે સ્પેશિયલ વોર્ડમાં પહોંચ્યા હતા અને નીતિન દેશમુખ સાથે વાત કરી હતી, તે જ સમયે નીતિન દેશમુખના પરિવારના કેટલાક સભ્યો પણ બહાર હતા. આ દરમિયાન નીતિન દેશમુખને મળવા દેવાતા ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ, પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમનું અપહરણ કરીને સુરત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પરિવારજનોને કંઈ ખબર પડે તે પહેલા હોસ્પિટલ પ્રશાસને નીતિન દેશમુખને રજા આપી અને એકનાથ શિંદે પાસે ફરીથી હોટેલમાં લઈ ગયા હતા.
આ પણ વાંચો : સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યનું અપહરણ થયું હોવાની ફરિયાદ
ધારાસભ્યો ત્રણ બસમાં એરપોર્ટ પહોંચ્યાં : બાગી ધારાસભ્યો સહિત અન્યોને સ્પેશિયલ પ્લેનમાં આસામના ગુવાહાટી લઈ જવાની યોજના બનાવવામાં આવી હતી, જેના માટે ખાસ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હોટેલથી એરપોર્ટ લાવવા માટે ત્રણ લક્ઝરી બસો હોટલ પહોંચી હતી, વિમાનમાં લગભગ 65 લોકો સવાર હતા. આગામી દિવસોમાં એવું માનવામાં આવે છે કે, ભાજપ મહારાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને પણ ત્યાં લઈ જશે અને મહારાષ્ટ્રા સરકારની સામે ફ્લોર ટેસ્ટ દ્વારા અડચણ ઉભી કરી શકે છે. સોમવારની મોડી સાંજથી તમામ ધારાસભ્યોના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા, શિવસેના સહિત તેમના પરિવારના કોઈપણ સભ્યો તેમનો સંપર્ક કરી શક્યા ન હતા.