હૈદરાબાદ : પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં મુસ્લિમો તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે રોઝા (ઉપવાસ) રાખે છે. આ દરમિયાન મુસ્લિમો ખાસ નમાઝ પણ કરે છે. તેમજ તેઓ મીઠી ઈદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. મીઠી ઈદ, જેને ઈદ અલ-ફિત્ર તરીકે (Eid ul fitr 2022) પણ ઓળખવામાં આવે છે, તે ઈસ્લામિક કેલેન્ડર મહિનાના શાવલના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. આ એક એવો તહેવાર છે જે, ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ ખાસ છે અને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના લોકો ખૂબ જ ઉત્સાહથી મીઠી ઈદની ઉજવણી કરે છે.
શું છે ઇતિહાસ ? : મુસ્લિમ સમુદાયના લોકો માટે ઈદનો તહેવાર મુખ્ય તહેવારોમાંનો એક છે. જ્યારે પવિત્ર રમઝાન મહિનાના (Ramadan month 2022 ) છેલ્લા દિવસે ચંદ્ર દેખાય છે, ત્યારે બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે. તેને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જ સમયે, ઇદને રમઝાન મહિનાના અંત તરીકે પણ માનવામાં આવે છે. મુસ્લિમ સમુદાયના લોકો આ દિવસે પરોપકારી કાર્યો કરે છે, જેમ કે ગરીબોને દાન આપવું, ભૂખ્યાને ભોજન આપવું વગેરે.... તે જ સમયે, અલ્લાહની ઇબાદત કર્યા બાદ, તેઓ નમાઝ પઢે છે.
આ પણ વાંચો : દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
શા માટે ઉજવવામાં આવે છે ઈદ
- ઈસ્લામિક કેલેન્ડર મુજબ, ઈદ-ઉલ-ફિત્રની શરૂઆત ખુદ પયગંબર મોહમ્મદના નેતૃત્વમાં જંગ-એ-બદર બાદ થઈ હતી. કહેવાય છે કે, આ યુદ્ધમાં મુસ્લિમ સમુદાયના લોકોનો વિજય થયો હતો.
- ઈદની શરૂઆત ચાંદના દર્શનથી થાય છે અને તેનો અંત પણ ચાંદના દર્શન પર નિર્ભર કરે છે.
- મુસ્લિમ સમુદાયના લોકો એક વિશેષ કેલેન્ડરનું પાલન કરે છે, જે ચંદ્રની હાજરી અને અવલોકન દ્વારા નક્કી કરવામાં આવે છે.
- ઈદના દિવસે અલ્લાહની ઈબાદત કરવાની સાથે, લોકો 30 દિવસ સુધી ઉપવાસ રાખવાની શક્તિ આપવા બદલ તેમનો આભાર પણ માને છે. આ સાથે જ, દાન વગેરે પણ કરે છે.
- રમઝાનમાં મુસ્લિમ સમુદાયના દરેક વ્યક્તિએ ફિતર આપવાનું હોય છે. આમાં દરેક વ્યક્તિ અઢી કિલો અનાજ ગરીબોને આપે છે.
આ તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે ? : ઈદ ઉલ ફિત્ર અથવા મીઠી ઈદ રમઝાનના એક મહિના પછી ઉજવવામાં આવે છે. આ એક ધાર્મિક આનંદી તહેવાર છે, જે પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. ઈસ્લામિક કેલેન્ડરમાં શાવલ મહિનામાં નવા ચંદ્રના દર્શન સાથે તહેવારની શરૂઆત થાય છે. જ્યારે આ મહિનામાં પ્રથમ વખત અર્ધચંદ્રાકાર ચંદ્ર (બીજ) દેખાય છે, તે પછી ઈદની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો : EID 2022 : બોલીવુડના સ્ટાર્સએ ચાહકોને ઈદ મુબારકની પાઠવી શુભેચ્છાઓ
શા માટે ઈદ-ઉલ-ફિત્ર દર વર્ષે એક જ તારીખે નથી આવતો ? : હોળી, દિવાળીની જેમ, ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીની તારીખ પણ દર વર્ષે બદલાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે, હિજરી કેલેન્ડરના આધારે દર વર્ષે ઈદની તારીખ બદલાય છે. તે ચંદ્ર કેલેન્ડર છે અને તે ચંદ્રના વિવિધ તબક્કાઓ પર પણ આધાર રાખે છે. મુસ્લિમો માટે એક નવો મહિનો અર્ધચંદ્રાકારના દર્શન પછી જ શરૂ થાય છે અને તે ચંદ્રની સ્થિતિના આધારે દર વર્ષે બદલાઈ શકે છે.
ઈદ ઉલ-ફિત્ર 2022 કેવી રીતે ઉજવવી : એક મહિનાના ઉપવાસ બાદ, ઈદ અલ-ફિત્ર રમઝાનના અંતને ચિહ્નિત કરે છે. તે મહિનાના લાંબા ઉપવાસ અને અલ્લાહની બંદગી દરમિયાન શક્તિ અને સહનશક્તિ માટે અલ્લાહનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર સમગ્ર વિશ્વમાં મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવે છે. આ દરમિયાન મુસ્લિમો નમાઝમાં ભાગ લે છે. આ દિવસની ઉજવણી માટે મુસ્લિમો નવા કપડાં પહેરે છે અને એકબીજાને 'ઈદ મુબારક'ની શુભેચ્છા પાઠવે છે. તે જ સમયે, વડીલો દ્વારા નાનાને 'ઈદી'ના રૂપમાં ભેટ પણ આપવામાં આવે છે.