નવી દિલ્હી: આજથી દિલ્હીના સીબીડી મેદાનમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ દિવ્ય દરબાર માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં 3000 જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. જાણો બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે કોણ તૈનાત થશે..
પોલીસનો લોખંડી બંદોબસ્ત: પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામ સરકારના પીઠેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા 16, 17 અને 18 ડિસેમ્બરે ત્રણ દિવસીય શ્રી હનુમંત રામ કથાનું આયોજન કરવામાં આવનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં લગભગ લાખો ભક્તો આવે તેવી અપેક્ષા છે. શુક્રવારે ડીસીપી રોહિત મીણા કથા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને બ્રિફિંગ આપી હતી. રોહિત મીણાએ જણાવ્યું કે, CBD ગ્રાઉન્ડ પર યોજાનારી કથાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, દરેક ખૂણા-ખૂણા પર CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે, આ ઉપરાંત સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
3 હજાર જવાનોની તૈનાતી: ડીસીપીએ મીણાએ વધુમાં જણાવ્યું હતું "સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે અર્ધલશ્કરી દળની 10 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે, ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યાં છે. સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, તમામ ભક્તોની સારી રીતે તપાસ કર્યા બાદ જ તેમને કથા સ્થળે પ્રવેશ આપવામાં આવશે, તેમનો સામાન પણ સ્કેન કરવામાં આવશે."
1 લાખ લોકોની ક્ષમતા વાળો પંડાલ: તૈયારીઓ અને સુવિધાઓની વાત કરીએ તો, આ કાર્યક્રમ માટે લગભગ 20 હજાર ચોરસ મીટરમાં જર્મન હેંગરની મદદથી એક ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યો છે, જેમાં લગભગ એક લાખ લોકો માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે શૌચાલય, પાણી અને ભોજન સંગ્રહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ તબીબી ઈમરજન્સીના કિસ્સામાં સ્થળ પર એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે.