નવી દિલ્હી : આ કેસની વિગત એવી છે કે દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ( DTC )માં કામ કરતા કંડક્ટરને 15 દિવસની રજા લેવી ભારે પડી ગઇ હતી. રજા લીધા બાદ ડીટીસીએ તેને નોકરીમાંથી બરતરફ કરી દીધો હતો. નોકરી પર પાછા ફરવા માટે તેણે અને તેના પરિવારને 30 વર્ષ સુધી લાંબી કાનૂની લડાઈ લડવી પડી. દિલ્હી હાઈકોર્ટે આ ઓપરેટરના પરિવારની તરફેણમાં ચૂકાદો આપતાં તેના 31 વર્ષના બાકી પગાર અને અન્ય લેણાંની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.
15 દિવસની રજાનો મામલો : આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ સતીશચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે કંડક્ટરે પોતાના અધિકારો માટે લાંબા સમય સુધી લડત ચલાવી હતી. તે હવે હયાત નથી, પરંતુ દસ્તાવેજો સાબિત કરે છે કે ફરિયાદ કરનાર ઓપરેટર તેની જગ્યાએ સાચો હતો. માત્ર 15 દિવસની રજા લેવા બદલ તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. 2003માં લેબર કોર્ટે ફરિયાદીની તરફેણમાં આપેલા નિર્ણયને બેન્ચે યથાવત રાખ્યો હતો. આ અરજીનો નિકાલ કરતી વખતે બેન્ચે કહ્યું કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કંડક્ટરની વિધવા, પત્ની અને બાળકોને અત્યાર સુધીની બાકી રકમ ચૂકવવી જોઈએ.
2007માં ઓપરેટરનું નિધન : વર્ષ 1992માં ડીટીસીએ 15 દિવસની રજા લેવા બદલ ઓપરેટરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. વિભાગનો આરોપ છે કે તે 31 માર્ચ 1991થી 14 એપ્રિલ 1991 સુધી કોઈપણ સૂચના વિના રજા પર રહ્યો હતો. કંડક્ટરનું વર્ષ 2007માં અવસાન થયું હતું. આ પછી મૃતકની વિધવા અને બાળકોએ આ કાયદાકીય લડતને આગળ ધપાવી. 16 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટે પરિવારની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.
ડીટીસીએ તમામ ન્યાયિક અદાલતમાંં કેસ પડકાર્યો : દિલ્હી હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે 31 મે, 2003ના રોજ લેબર કોર્ટે ઓપરેટરને ક્લીનચીટ આપી હતી અને ડીટીસીને તેને ફરીથી નોકરી પર લેવા, તેના ભૂતકાળના લેણાં ચૂકવવા અને નોકરી ચાલુ રાખતા તમામ ભથ્થાંઓ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશને ડીટીસી દ્વારા દિલ્હી હાઈકોર્ટની સિંગલ જજની બેંચમાં પડકારવામાં આવ્યો હતો.
લેબર કોર્ટનો આદેશને યથાવત : બેન્ચે 2007માં લેબર કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. તેમજ ઓપરેટરને પુન: ફરજ પર લેવા આદેશ કર્યો હતો. તેમ છતાં ડીટીસીએ આ આદેશને હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ પડકાર્યો હતો. હવે ડિવિઝન બેન્ચે પણ ઓપરેટરની તરફેણમાં આપેલા નિર્ણયને યોગ્ય માન્યો છે. આ પછી હવે ડીટીસીએ 31 વર્ષથી ઓપરેટરના બાકી પગાર અને અન્ય ભથ્થાં સહિત તમામ પૈસા ચૂકવવા પડશે.