ઉત્તર પ્રદેશ : મેરઠ મેડિકલ કોલેજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 5 વર્ષના માસૂમ બાળકની સારવાર કરાવવા આવેલા પરિવારજનોએ જુનિયર તબીબો સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. વાત એ હદે વધી ગઈ કે, ઉશ્કેરાયેલા જુનિયર ડોક્ટરોએ માસુમ બાળકના પરિવારજનોને ઢોર માર માર્યો હતો. આ તકે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મારામારીની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ આર.સી. ગુપ્તાએ 3 જુનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે મારામારીનો ભોગ બનેલા લોકોએ મેડિકલ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરો વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો છે.
શું હતો મામલો ? બનાવની મળતી વિગત અનુસાર કમલાપુરનો રહેવાસી દીપક સોમવારે મોડી રાત્રે તેના 5 વર્ષના પુત્ર કુણાલ સાથે મેરઠની લાલા લજપત રાય મેમોરિયલ મેડિકલ કોલેજમાં સારવાર માટે આવ્યો હતો. દીપકે પોલીસને જણાવ્યું કે તેના 5 વર્ષના પુત્રનો જમણો અંગૂઠો ફોડર મશીનથી કપાઈ ગયો હતો. દીપક તેના નાના ભાઈ દેવેન્દ્ર, ભાભી પ્રીતિ અને તેના પરિવાર સાથે મેડિકલ કોલેજમાં આવ્યો હતો. તેમનો પુત્ર ઈજાથી તકલીફમાં હતો અને ઇમરજન્સી વોર્ડમાં લાંબા સમય સુધી કોઈ સારવાર માટે આવ્યું ન હતું. બધા ડોકટરો એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતા. ઘણી સમજાવટ બાદ ડોક્ટર સારવાર કરવા માટે રાજી થયા.
ફરિયાદીએ આપી માહિતી : આ દરમિયાન ઈજાગ્રસ્ત બાળકના પરિવારજનોએ સારવાર બાબતે ડોક્ટરો સાથે દલીલ કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા ડોકટરોએ બાળકની સારવાર કરી અને તેના પરિવારજનોને માર મારવાનું શરૂ કર્યું હતું. આ મારામારીમાં જેઓ બચાવવાનો પ્રયાસ કરવા વચ્ચે પડ્યા તેમને પણ ડોક્ટરોએ સાથે મળીને માર માર્યો હતો.ફરિયાદી દીપકે પોલીસને જણાવ્યું કે, ડોક્ટરોએ માર મારવાથી તેની ભાભીને ગંભીર ઈજાઓ થઈ અને તે બેભાન થઈને જમીન પર પડી ગઈ હતી. આ મામલામાં દીપકે 5 ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
5 ડોક્ટર સસ્પેન્ડ : મેડિકલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અવધેશ શર્માએ જણાવ્યું કે, ડોક્ટરો પર ઘાયલ બાળકના પિતા સહિત પરિવારના સભ્યોને માર મારવાનો આરોપ છે. બાળકના પરિવારજનોની ફરિયાદના આધારે 5 જુનિયર ડોક્ટરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મારામારીની ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયો પરથી ડોક્ટરોની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ઓળખ થયા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ સમિતિની રચના : ડોક્ટરોની દર્દીના પરિવારજનો સાથેની મારામારીની ઘટના બાદ મેરઠ મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ ડો. આર.સી. ગુપ્તાએ કહ્યું કે, કેટલાક લોકો એક બાળક સાથે મેડિકલ કોલેજના ઇમરજન્સી વોર્ડમાં આવ્યા હતા. બાળકના હાથ પર ઊંડો ઘા હતો. સારવાર દરમિયાન ડોક્ટર ઈજાના ફોટોગ્રાફ લઈ રહ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોનો દર્દીના પરિવારજનો સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. કોઈએ મારામારીની આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. વાયરલ વીડિયોના આધારે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ કેસમાં ડો. જ્ઞાનેશ્વર ટાંકના માર્ગદર્શન હેઠળ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં તપાસ કરીને 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.