નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રની બુધવારે શરૂઆત થઈ છે. ગૃહની કામગીરીના પ્રારંભમાં કુદરતી આપત્તિઓના મૃતકોને સભ્યોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી. ત્યારબાદ કામગીરી શરૂ થતાં જ વિપક્ષોના ધારાસભ્યોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું. વિપક્ષ નેતા રામવીરસિંહ વિધુડીએ કહ્યું કે આમ આદમી પાર્ટી સરકાર પોતાના અધિકાર ક્ષેત્રની બહારના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવા માંગે છે. આ સદંતર નિયમોની વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે દિલ્હી સાથે સંકળાયેલી સમસ્યાઓ પર ચર્ચા બહુ ઓછી થાય છે.
ગૃહની કામગીરીમાં સહકાર આપોઃ આ દરમિયાન વિધાનસભાનું સંચાલન કરતા ડેપ્યૂટી સ્પીકર રાખી બિરલાએ ગૃહમાં હોબાળો મચાવતા ધારાસભ્યોને ટપાર્યા અને કહ્યું કે વિધાનસભા કોઈ રાજકારણનો અખાડો નથી અને ના તો હું તેમ થવા દઈશ.ભાજપી ધારાસભ્યોને અનુલક્ષીને તેમણે કહ્યું કે ગૃહની કામગીરી શાંતિથી ચાલવા દો અને ગૃહને રાજકારણનો અખાડો ન બનાવો.
અધ્યક્ષની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકરે કર્યુ સંચાલનઃ વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલની ગેરહાજરીમાં ગૃહની કામગીરીનું સંચાલન ડેપ્યૂટી સ્પીકર રાખી બિરલા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઉપરાજ્યપાલે 11 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને વિધાનસભા સત્ર બોલાવા પર વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાજ્યપાલના પત્રો ઉપરાંત વિધાનસભા કાર્ય અને સંચાલન અલગ નિયમોથી થાય છે. સત્ર ક્યારે બોલાવવું તે વિધાનસભા સ્પીકરનો વિશેષાધિકાર છે.ડેપ્યૂટી સ્પીકરે ઉપરાજ્યપાલે લગાડેલા આરોપોને ગંભીર ગણાવ્યા હતા.
વિશેષ સત્ર બોલાવવામાં કોઈ નિયમનું ઉલ્લંઘન નથીઃ તેમણે કહ્યું કે, ઉપરાજ્યપાલને ખબર હોવી જોઈએ કે જ્યારે નવુ સત્ર બોલાવવું હોય તો કેબિનેટ પ્રસ્તાવ પસાર કરતી નથી તો નવુ સત્ર ન બોલાવી શકાય. એનસીટી અધિનિયમમાં બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્ર જેવી કોઈ જોગવાઈ કે નિયમ જ નથી. આ રીતે સત્ર બોલાવવાની કોઈ જરૂરિયાત જ નથી. તેથી વિધાનસભાના વિશેષ સત્ર બોલાવામાં કોઈ નિયમોનું ઉલ્લંઘન થતું નથી.
અમિત શાહના નિવેદનોઃ અગાઉ દિલ્હી સર્વિસ બિલ મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી વિધાનસભા સત્રને લઈને પ્રશ્નો રજૂ કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, દિલ્હી વિધાનસભામાં નિયમાનુસાર સત્ર બોલાવવામાં આવતું નથી. આ દેશની એક એવી વિધાનસભા છે જેમાં સત્ર ક્યારેય પૂરા જ થતા નથી. વર્ષ 2020માં દિલ્હી વિધાનસભાનું એક સત્ર બોલાવાયું જેમાં પાંચ બેઠકો થઈ હતી. વર્ષ 2021માં એક બજેટ સત્ર બોલાવાયું જેમાં ચાર બેઠકો થઈ હતી. વર્ષ 2022માં એક જ બજેટ સત્ર બોલાવાયું અને હવે ફરીથી 2023માં પણ અત્યારસુધી એક સત્ર બોલાવવામાં આવ્યું છે.