નવી દિલ્હી : દિલ્હી પોલીસે ગુરુવારના રોજ છ મહિલા કુસ્તીબાજ દ્વારા દાખલ કરાયેલ કથિત જાતીય સતામણીના કેસમાં ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે આરોપ નક્કી કરવા ફરી ચર્ચા શરૂ કરી છે. પોલીસે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂત સમક્ષ તેમની દલીલ રજૂ કરતા દાવો કર્યો કે બ્રિજભૂષણ સિંહ અને સહ-આરોપી સસ્પેન્ડેડ WFI ના સહાયક સચિવ વિનોદ તોમર સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે.
બ્રિજભૂષણ સિંહને તે દિવસ માટે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. કોર્ટ શનિવારે પણ આ કેસની સુનાવણી ચાલુ રાખશે. નવેસરથી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીતસિંહ જસપાલની ટ્રાન્સફર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમણે અગાઉ કેસની અધ્યક્ષતા કરી હતી. અગાઉના ન્યાયાધીશે પહેલેથી જ વ્યાપક દલીલો સાંભળી હોવાથી છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે ખાસ કરીને આરોપ નક્કી કરવા માટે નવી સુનાવણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ટ્રાન્સફર અંગેનો આદેશ અનામત રાખવામાં આવ્યો તે પહેલા મામલો સ્પષ્ટતાના તબક્કે હતો. અગાઉ દિલ્હી પોલીસે બ્રિજભૂષણસિંહ સામે આરોપ ઘડવા અંગે પોતાનું વલણ રજૂ કરતી લેખીત દલીલ રજૂ કરી હતી. એસીએમએમ જસપાલે આરોપી અને ફરિયાદીના વકીલોને દલીલોની નકલ આપી હતી. ફરિયાદીઓનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ હર્ષ બોરાએ અગાઉ લેખીત દલીલ રજૂ કરી હતી.
ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ કોર્ટે વકીલોને આ કેસમાં તેમની લેખીત દલીલ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. ઉપરાંત પક્ષકારોને ભારપૂર્વક જણાવ્યું હતું કે દલીલ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવશે. બ્રિજભૂષણ સિંહના વકીલ દ્વારા 22 નવેમ્બરના રોજ લેખીત દલીલ રજૂ કરવામાં આવી હતી.
ભાજપના સાંસદે અગાઉ છ મહિલા કુસ્તીબાજ દ્વારા તેમની સામે દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસની સુનાવણી કરતી દિલ્હી કોર્ટના અધિકારક્ષેત્ર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં કોઈ કાર્યવાહી કે પરિણામ આવ્યું નથી. જોકે ફરિયાદ પક્ષે કહ્યું હતું કે પીડિતાઓનું સતત યૌન શોષણ કરવામાં આવી રહ્યું હતું, તેથી કોઈ ચોક્કસ સમયનો ઉલ્લેખ કરી શકાય નહીં. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજભૂષણ સિંઘે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરવાની કોઈ તક છોડી નથી. તેમની સામે આરોપો ઘડવા અને કેસ આગળ વધારવા માટે પૂરતા પુરાવા છે.