નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં દિલ્હીમાં ખાલીસ્તાની આતંકવાદીઓને દિલ્હી પોલીસ શોધી રહી છે. દિલ્હી પોલીસે આ આતંકવાદીઓને શોધવા માટે જાહેર સ્થળોએ પોસ્ટર પણ લગાડ્યા છે. પોસ્ટરમાં વધાવા સિંહ ગબ્બર, પુરુષોત્તમ સિંહ પમ્મા, ગુરમીત સિંહ બગ્ગા અને ભૂપિન્દર સિંહ ભીંડાના ચહેરા દર્શાવાયા છે. જો કે દિલ્હી પોલીસ અને સીક્યુરિટી એજન્સી કુલ 16 આતંકવાદીઓને શોધી રહી છે. દિલ્હી પોલીસને દિલ્હીમાં ખાલીસ્તાની આતંકવાદીઓ હુમલો કરે તેવી બાતમી મળી છે. આ આતંકવાદીઓ દિલ્હી પોલીસે G-20 સમિટ પહેલા દિવાલો પર સૂત્રો લખવામાં પકડેલા લોકોની ધરપકડનો બદલો લેવા માટે હુમલો કરશે.
જાહેર સ્થળો પર પોસ્ટર્સઃ દિલ્હી પોલીસ અને સીક્યુરિટી એજન્સીઓએ ખાલીસ્તાની આંતકવાદીઓની શોધખોળ ઝડપી બનાવી દીધી છે. પોલીસે મેટ્રોના વિવિધ સ્ટેશન અને જાહેર સ્થળો પર 4 આતંકવાદીઓના ચહેરા દર્શાવતા પોસ્ટર્સ લગાડ્યા છે. આ પોસ્ટરમાં આતંકવાદીની ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી નોંધ કરાઈ છે. પોલીસને દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાની ગંધ આવી ગઈ છે તેથી દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર છે.
અનેક છાપા પડી રહ્યા છેઃ ભારત વિરોધી ગતિવિધિઓ કરવામાં કેનેડામાં છુપાયેલા ખાલિસ્તાની સમર્થકો અને પંજાબના ગેંગસ્ટર્સ વ્યસ્ત છે. આ નેટવર્ક તોડવા માટે અનેક રાજ્યોની પોલીસ અને NIA સહિત અનેક એજન્સીઓ ઠેર ઠેર છાપામારી કરી રહી છે. આ એજન્સીઓ આતંકવાદીઓ સહિત તેમના મદદગારોને પણ ઝબ્બે કરી રહી છે. દિલ્હીની સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પણ છાપામારી ચાલી રહી છે.
વિદેશી ફંડિંગ રોકવું આવશ્યકઃ છાપામારી દરમિયાન હથિયારો જપ્ત કરાઈ રહ્યા છે આ ઉપરાંત વિદેશથી થતા ફંડિગની તપાસ પણ કરવામાં આવી રહી છે. કુલ 30 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સહિત અન્ય ગેંગસ્ટર, આતંકવાદીઓ તેમજ તેમના મદદગારોના સ્થળો પર પોલીસ છાપામારી કરી રહી છે. પોલીસ અને સીક્યુરિટી એજન્સીઓ કેનેડામાં છુપાયેલા ગેંગસ્ટર ગોલ્ડી દ્વારા ભારતમાં ચલાવાતું નેટવર્ક તોડવા માંગે છે. ગોલ્ડી બરાડની ગેંગમાં સોશિયલ મીડિયા દ્વારા પંજાબના યુવકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ગોલ્ડી ખાલીસ્તાનીઓની મદદ પણ લે છે.
વોન્ટેડ ખાલીસ્તાની આતંકવાદીઓઃ દિલ્હી પોલીલ અને સીક્યુરિટી એજન્સીઓ જે આતંકવાદીઓની ધરપકડ કરવા માંગે છે તેમાં પ્રતિબંધિત સંગઠન 'શીખ ફોર જસ્ટિસ'નો પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુ, બબ્બર ખાલસાનો પરમજીત સિંહ પમ્મા, વધાવા સિંહ બબ્બર, ભૂપેન્દ્ર સિંહ ભીંડા, પુરુષોત્તમ સિંહ પમ્મા, જે.એસ. ધાલીવાલ, સુખપાલ સિંહ, ગુરજંટ સિંહ ઢીલ્લો, સરબજીત સિંહ, કુલવંત સિંહ, રનજીત સિંહ નીટા, અમરદીપ સિંહ પૂરેવાલ, હરપ્રીત સિંહ, ગુરમીત સિંહ, ગુરપ્રીત સિંહ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક પર હત્યા, હત્યાની કોશિષ, નાર્કોટિક્સ-હથિયારોની હેરાફેરી તેમજ આતંકવાદી કૃત્યોના કેસ દાખલ થયેલા છે.