નવી દિલ્હી: દિલ્હીના મીર દર્દ વિસ્તારમાં એક ASI તેના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને શનિવારે બપોરે માહિતી મળી હતી કે, મીર દર્દ રોડ વિસ્તારના ઘર નંબર-82માં એક પોલીસકર્મીનું મોત થયું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch Of Delhi Police) ટીમને તપાસ માટે બોલાવી હતી કારણ કે, મૃતક ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટેડ હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમની તપાસમાં મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. આ પછી પોલીસે મૃતદેહને (Delhi Police ASI found dead) કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પિતાના મૃતદેહ સાથે બાળકો: પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે PCR કોલ પર માહિતી મળી હતી કે, પોલીસકર્મીનો મૃતદેહ મીર દર્દ રોડ, જીબી પંત હોસ્પિટલની સામેના ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હિના ખાન (30) તેના ત્રણ બાળકો સાથે ત્યાં હાજર હતી. પોલીસ પૂછપરછ દરમિયાન હિનાએ જણાવ્યું કે, તેનો પતિ યુનુસ ખાન (46) ક્રાઈમ બ્રાન્ચ, કમલા માર્કેટમાં તૈનાત હતો. ગઈકાલે રાત્રે પતિ યુનુસ બે બાળકો સાથે ઘરે હતો, જ્યારે તે તેની છ વર્ષની પુત્રીને લઈને ઘરે જતી રહી હતી. હિનાએ જણાવ્યું કે સવારે તેણે તેના પતિ યુનુસ ખાનને ફોન કર્યો, પરંતુ તેણે ફોનનો જવાબ ન આપ્યો. શંકાના આધારે તેણીએ ઘરે આવીને દરવાજો ખખડાવ્યો, પરંતુ યુનુસે દરવાજો ખોલ્યો ન હતો. જ્યારે પડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે એક રૂમમાં યુનુસની મૃતદેહ સાથે બંને નાના બાળકો (2-3 વર્ષ) સુતા હોવાનું જોવા મળ્યું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી ASI યુનુસ ખાન હરિયાણાના હથનગાંવ, નુહ, મેવાત ગામનો કાયમી રહેવાસી હતો અને હાલમાં ક્રાઈમ બ્રાન્ચ, કમલા માર્કેટમાં તૈનાત હતો. તેની બે પત્નીઓ ઝરીના અને હીના ખાન છે. તેમને તેમની પ્રથમ પત્ની ઝરીનાથી સાત બાળકો છે, જેઓ તેમના વતન મેવાતમાં રહે છે અને તેમની બીજી પત્ની હિના ખાનથી ત્રણ બાળકો છે, જે જીબી પંત હોસ્પિટલ દિલ્હીની સામે બી-82, 64 ખંબા, મીર દર્દ રોડ ખાતે રહે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.