નવી દિલ્હી: દિલ્હી પોલીસે મજનુ કા ટીલા વિસ્તારમાં બૌદ્ધ શરણાર્થી વસાહતમાંથી જાસૂસીની શંકામાં એક ચીની મહિલાની (Chinese spy women arrested) ધરપકડ કરી છે. શંકાના આધારે પોલીસે મહિલાના દસ્તાવેજો તપાસ્યા. પોલીસને જાણવા મળ્યું કે મહિલાનું નામ તેના ઓળખ કાર્ડ પર ડોલ્મા લામા લખેલું છે અને તે નેપાળની રાજધાની કાઠમંડુની રહેવાસી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા વર્ષ 2019થી મજનુ કા ટીલા સ્થિત તિબેટીયન શરણાર્થી કોલોનીમાં રહેતી હતી. આ વિસ્તાર બૌદ્ધ શરણાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને અહીં મોટી સંખ્યામાં બૌદ્ધ શરણાર્થીઓ રહે છે, જેનો લાભ લઈને આ મહિલા પણ પોતાની ઓળખ બદલીને અહીં રહેતી હતી. મહિલાએ બૌદ્ધ સાધુઓના પરંપરાગત ઘેરા લાલ ઝભ્ભો પહેર્યા હતા અને તેના વાળ ટૂંકા રાખીને પોતાની ઓળખ છુપાવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે હવે પોલીસે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (SRRO) સાથે મળીને તેના જરૂરી રેકોર્ડની તપાસ કરી અને જાણવા મળ્યું કે મહિલા વર્ષ 2019માં ચીનના પાસપોર્ટ પર ભારત આવી હતી.
3 ભાષાઓનું જ્ઞાન : પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક નેતાઓ તેને મારવા માંગતા હતા, તેથી જ તે પોતાનો જીવ બચાવવા ભારત આવી હતી અને છેલ્લા બે વર્ષથી ભારતમાં રહે છે. મહિલાને અંગ્રેજી, મેન્ડરિન અને નેપાળી સહિત ત્રણ ભાષાઓનું જ્ઞાન છે. મહિલાની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને સાથે જ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ સમયગાળા દરમિયાન મહિલાએ ભારતની કોઈ મોટી માહિતી ચીન સાથે શેર કરી છે કે કેમ?