નવી દિલ્હીઃ ભારતની આઝાદી માટે થયેલા સંઘર્ષમાં ભાગ લેનાર સ્વતંત્રતા સૈનિકોને સરકાર 'સ્વતંત્રતા સૈનિક સમ્માન પેન્શન' આપે છે. જો કે 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીને પેન્શન ચૂકવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હતી. જેથી આ મુદ્દે દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને 20 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
સ્વતંત્રતા સેનાનીનું અપમાનઃ દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે સ્વતંત્રતા સેનાની ઉત્તીમલાલ સિંહ પ્રત્યે કેન્દ્ર સરકારનું ઉદાસીન વલણ તેમનું અપમાન છે. ઉત્તીમલાલને આઝાદીની લડાઈ લડવા બદલ બ્રિટિશ સરકારે દોષી ઠેરવ્યા હતા અને તેમની જમીન પડાવી લીધી હતી. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદે ઓગસ્ટ 1980થી અત્યાર સુધીનું તમામ પેન્શન અને 6 ટકા વાર્ષિક વ્યાજ દર સાથે ચૂકવી દેવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. જેના માટે હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને 12 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ ઉપરાંત પેન્શન ચૂકવવામાં ઉદાસિનતા દાખવવા બદલ કેન્દ્ર સરકાર પર 20000 રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
બિહાર સરકારે બે વાર દસ્તાવેજ આપ્યાઃ ઉલ્લેખનીય છે કે ઉત્તીમલાલ સિંહના મામલે બિહાર સરકારે તરફેણ કરી હતી, જો કે બિહાર સરકારે મોકલેલા દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા ખોવાઈ ગયા હતા. ત્યારબાદ બિહાર સરકારે ઉત્તીમલાલ સિંહના દસ્તાવેજો ફરીથી કેન્દ્ર સરકારને મોકલી આપ્યા હતા.
દિલ્હી હાઈ કોર્ટનો કેન્દ્ર સરકારને વેધક સવાલઃ આ મામલે દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને વેધક સવાલ કર્યો છે. હાઈ કોર્ટે પુછ્યુ કે બિહાર સરકારે દસ્તાવેજો રજૂ કર્યા, સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટે તેમનું નામ પણ યોગ્ય ઠેરવ્યું છે તો કેન્દ્ર સરકારને પેન્શન ચૂકવવામાં શું તકલીફ છે? પેન્શન ન ચૂકવવામાં કેન્દ્ર સરકારે જક્કી વલણ અપનાવ્યું છે જે પ્રશંસનીય નથી. કેન્દ્ર સરકારની આ અસંવેદનશીલતા પીડાકારક છે.