નવી દિલ્હીઃ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી દિલ્હી પરત ફર્યા હતા. દિલ્હીમાં આવતા જ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના સાથે ફોન પર વાત કરી હતી. દિલ્હીમાં પૂરની સ્થિતિ રીપોર્ટ માગ્યા હતા. સૂત્રોનું માનીએ તો ભૂતકાળમાં તમામ એજન્સીઓ અને સરકાર દ્વારા પૂરથી બચવા, રક્ષણ માટે જે પણ કામગીરી કરવામાં આવી છે. આ અંગે તેમણે લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી માહિતી લીધી હતી.
ફ્રાંસથી પણ વાત કરીઃ ગયા ગુરુવારે, જ્યારે વડા પ્રધાન ફ્રાન્સના પ્રવાસે હતા, ત્યારે તેમણે ફ્રાન્સથી લેફ્ટનન્ટ ગવર્નર સાથે ફોન પર વાત કરી હતી અને દિલ્હીની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. જે બાદ લેફ્ટનન્ટ ગવર્નરે પણ ટ્વિટર પર તેની માહિતી શેર કરી હતી. કેન્દ્ર સરકારના અધિકારીઓ પાસેથી શક્ય તમામ મદદ લઈને હિતમાં યોગ્ય પગલાં ભરવા સૂચના આપી હતી.
સચિવ સાથે બેઠકઃ રાજ નિવાસ ખાતે પૂર નિયંત્રણ અંગે, લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ સાથે બેઠક યોજી હતી અને પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્ય માટે અધિકારીઓની ફરજો લગાવી હતી. પૂરને જોતા દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં રવિવાર સુધી તમામ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
અવરજવર બંધઃ દિલ્હીમાં અન્ય રાજ્યોમાંથી આવતા ભારે વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ દિલ્હીમાં યમુનાનું જળસ્તર શનિવારે રાત્રે લગભગ 206.35 મીટરની આસપાસ સ્થિર છે. પૂર પીડિતોની મદદ માટે NDRFની 18 ટીમો કામ કરી રહી છે. જોકે, દિલ્હીમાં અંદર આવતા દરેક મુખ્ય રૂટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. અમુક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં પાણી ભરાયા છે એ રસ્તાઓ ડાઈવર્ટ કરાયા છે. શનિવારે પણ અનેક વિસ્તારો પાણીથી જળબંબાકાર થયા હતા. દિલ્હી પોલીસે પણ જુદા જુદા વિસ્તારોને ધ્યાને લઈને ટ્રાફિક ન થાય એ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં લોકેશનના ફોટો અને ગુગલ મેપ પર એનું ચોક્કસ લોકેશન આપવામાં આવ્યું હતુ. એટલું જ નહી સમય પણ આપવામાં આવ્યો હતો કે, ક્યારે ટ્રાફિક ક્લિયર થશે