નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના ડાબડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મહિલાને તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાએ બધાંને ચોંકાવી દીધા છે. હત્યાના મામલાની માહિતી મળતાં ડાબડી પોલીસે હત્યારાને પકડવા માટે એક ટીમ બનાવી હતી. ડાબડી પોલીસ ટીમ પગેરું દાબતી આરોપીના ઘેર પહોંચી તો ત્યાં જે જાણવા મળ્યું તે પણ ચોંકાવનારું દ્રશ્ય હતું. આરોપીનો મૃતદેહ તેના ઘરના ફ્લોર પર પડ્યો હતો કારણ કે તેણેે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી દીધી હતી. મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે અને તેની ઉંમર 42 વર્ષ છે. જ્યારે આરોપીની ઓળખ 23 વર્ષીય આશિષ તરીકે થઈ છે.
હત્યા કરી ઘેર જઇ આત્મહત્યા કરી દ્વારકાના ડીસીપી એમ હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર બંને વચ્ચેની મિત્રતા ઘણી જૂની હતી. બંને એકબીજાને જીમમાં મળ્યા હતા અને બંને એકસાથે જીમમાં જતા હતા. બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હરિનગરની દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે મહિલાને કાનપટ્ટીમાં ગોળી મારવામાં આવી હતી. આરોપી પગપાળા મહિલાના ઘરે પહોંચ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યાં બાદ તેના ઘરે પરત ગયો અને પોતાને ગોળી મારી દીધી હતી.
સ્યૂસાઈડ નોટ મળી નથી પોલીસને શંકા છે કે આરોપી યુવકે પહેલા મહિલાને ફોન કરીને કોઈ બાબતે વાત કરવા ઘરની બહાર બોલાવી હશે. પછી જ્યારે કોઇ બોલાચાલી થઇ હોય ત્યારે તેને કાનપટ્ટીમાં ગોળી મારી દેવામાં આવી. જો કે હજુ સુધી પોલીસને યુવક પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પોલીસે ઘટનાસ્થળેથી ઘટનામાં વપરાયેલી પિસ્તોલ અને ખાલી કારતૂસ કબજે કર્યા છે.
નજીકમાં જ રહેતો હતો આરોપી મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પતિનો પ્રોપર્ટીનો બિઝનેસ છે અને પરિવાર સાથે વૈશાલી વિસ્તારમાં રહે છે. મહિલાને ત્રણ બાળકો પણ છે. બીજી તરફ આરોપી આશિષ પણ તેના માતાપિતા સાથે થોડેક જ દૂર નજીકમાં જ રહેતો હતો. રાત્રે પોણા નવ વાગ્યે ડાબડી પોલીસને પીસીઆર કોલ મળ્યો હતો કે મહિલાને ગોળી વાગી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની બહાર ઘણું લોહી અને લોહીથી ખરડાયેલ ખાલી કારતૂસ મળી આવ્યું હતું. મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પ્રેમપ્રકરણની વાત કન્ફર્મ નથી ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ખંખોળવાનું કરવાનું શરૂ કર્યું હતું. આમાં પોલીસને થોડી માહિતી મળી અને તરત જ આશિષના ઘરે પહોંચી. આશિષના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આશિષને પિસ્તોલ ક્યાંથી મળી તે અંગે પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ બંનેના ફોન કોલ ડિટેઈલની તપાસ કરી રહી છે. બંને વચ્ચેના પ્રેમપ્રકરણની વાત હજુ સુધી કન્ફર્મ થઈ નથી.