નવી દિલ્હી : વર્ષ 2023 તેની પૂર્ણાહુતિ પર છે. ત્યારે આ વર્ષે દિલ્હીની કોર્ટ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓની સુનાવણી અને ચુકાદાના કારણે સતત ચર્ચામાં રહી હતી. વર્ષની શરૂઆતમાં 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડથી લઈને 14 ડિસેમ્બરના રોજ સંસદ સુરક્ષા ભંગ કરનારા ચાર આરોપીઓની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજરી સુધી, દિલ્હીની કોર્ટ આખા વર્ષ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ કેસના કારણે ચર્ચામાં રહી હતી. ચાલો જાણીએ આ વર્ષની 10 સૌથી મોટા કેસ વિશે...
- મનીષ સિસોદિયા અને એક્સાઇઝ કૌભાંડ :
2023 ની શરૂઆતમાં 27 ફેબ્રુઆરીના રોજ CBI દ્વારા લાંબી પૂછપરછ પછી દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોઈ રાજ્યના મૌજુદા નાયબ મુખ્યપ્રધાનની હોદ્દા પર હોવા છતાં ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવાનો આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. મનીષ સિસોદિયાને કોર્ટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા અને તેઓ હજુ પણ જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેને જામીન મળી શક્યા નથી. જેલમાં ગયા બાદ મનીષ સિસોદિયાએ નાયબ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
- પોલીસે સિસોદિયાની ગળું કેમ પકડ્યું ?
23 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં મનીષ સિસોદિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન મીડિયામાં નિવેદન આપતી વખતે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે સિસોદિયાની ગરદન પકડીને બોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટીએ તેને સિસોદિયા સાથેનું ખરાબ વર્તન ગણાવ્યું અને કેજરીવાલ અને અન્ય નેતાઓએ સખત વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટ પરિસરમાં બનેલી આ ઘટના પણ ચર્ચાનો વિષય બની હતી.
- સિરિયલ કિલર રવિન્દ્ર :
25 મે 2023 ના રોજ રોહિણી કોર્ટે છ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિરિયલ કિલર રવિન્દ્રને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી રવીન્દ્ર વિરુદ્ધ 2008 થી 2015 વચ્ચે 30 છોકરીઓની હત્યા અને બળાત્કારના કેસ નોંધાયા છે.
- મહિલા કુસ્તીબાજ જાતીય સતામણી કેસ :
18 જુલાઈના રોજ મહિલા રેસલર જાતીય સતામણી કેસમાં આરોપી આઉટગોઇંગ ઈન્ડિયન રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ પ્રથમ વખત રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટ રૂમથી કોર્ટના મુખ્ય દરવાજા સુધી મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે બ્રિજભૂષણને વચગાળાના જામીન આપ્યા હતા.
- 1984 શીખ વિરોધી રમખાણ કેસ :
4 ઓગસ્ટના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે પૂલબંગશમાં 1984 ના શીખ રમખાણોમાં ત્રણ શીખની હત્યાના આરોપી કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરને રૂ. 1 લાખના બોન્ડ પર આગોતરા જામીન આપ્યા હતા. જેના વિરોધમાં દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ શીખ સમુદાયના સેંકડો રમખાણ પીડિતો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન આંદોલનકારીઓએ ટાઈટલરના જામીન રદ કરવા અને તેને જેલમાં મોકલવાની માંગણી સાથે કોર્ટ પરિસરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જેને રોકવા માટે પોલીસે ગેટ બંધ કરવો પડ્યો હતો.
- લૈંડ ફોર જોબ કૌભાંડ કેસ :
સપ્ટેમ્બર મહિનામાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સ પર 4 ઓક્ટોબરના રોજ ભૂતપૂર્વ રેલવેપ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી, નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ કોર્ટમાં હાજર થયા હતા. લૈંડ ફોર જોબ કૌભાંડ કેસમાં કોર્ટે ત્રણેય લોકો સહિત 15 આરોપીને જામીન આપ્યા હતા. 16 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં લાલુ અને રાબડી સિવાય તેજસ્વી યાદવને પહેલીવાર હાજર કરાયા હતા.
- AAP સાંસદ સંજયસિંહની ધરપકડ :
5 ઓક્ટોબરના રોજ ED એ એક્સાઇઝ કૌભાંડમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી કોર્ટે તેમને સાત દિવસની ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. AAP કાર્યકર્તાઓએ સંજયસિંહની ધરપકડ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- દિલબર નેગી હત્યા કેસ :
26 ઓક્ટોબર 2023 ના રોજ કડ઼કડ઼ડૂમા કોર્ટે દિલ્હી રમખાણો દરમિયાન દિલબર નેગી હત્યા કેસ મામલે 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે આ ઘટના બની તે દરમિયાન 11 આરોપીઓ અલગ-અલગ સમયે હાજર હતા. ઉલ્લેખનિય છે કે, રમખાણો દરમિયાન અસામાજીક તત્વોએ મીઠાઈની દુકાનમાં આગ લગાવી દીધી હતી, જેમાં દિલબર નેગીનું મોત થયું હતું. કોર્ટે આ કેસમાં એક આરોપી શાહનવાઝ ઉર્ફે શાનૂ સામે આરોપ ઘડ્યા હતા.
- સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસ :
25 નવેમ્બર 2023 ના રોજ સાકેત કોર્ટના સેશન્સ જજે 2008 માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે આરોપી રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને હત્યાના કેસમાં આજીવન કેદ અને 25,000 રૂપિયાનો દંડ તથા મકોકા માટે આજીવન કેદ અને વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે પાંચમા દોષિતને ત્રણ વર્ષની જેલની સજા અને MCOCA હેઠળ તેના પર 7 લાખ 25 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.
- સંસદ સુરક્ષા ક્ષતિ મામલો :
12 ડિસેમ્બરના રોજ સંસદની સુરક્ષાનો ભંગ કરનાર ચાર આરોપી સાગર શર્મા, નીલમ, અમોલ શિંદે અને મનોરંજન ડીને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. દિલ્હી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 452, 120B અને UAPA હેઠળ કેસ નોંધ્યો છે.
આ 10 એવા મુખ્ય કેસ હતા જેની સુનાવણી અને ચુકાદા પર દેશભરની નજર હતી. પરંતુ એક કેસનો ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે તે ભારતીય નાગરિકોના ન્યાયતંત્ર પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. જુઓ આ અનોખો પરંતુ મજુબત કેસ
- AAP ધારાસભ્યને કોર્ટે ફટકારી અનોખી સજા :
17 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે એક વિદ્યાર્થી પર હુમલાના ત્રણ વર્ષ જૂના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લલિતેશપતિ ત્રિપાઠીને આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાની સજા ફટકારી હતી. આ ઉપરાંત ત્રિપાઠી પર 30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ અનોખી સજાનો કિસ્સો પણ ચર્ચામાં રહ્યો હતો. કોર્ટે ધારાસભ્યને આઈપીસીની કલમ 323 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. બાદમાં કોર્ટે ત્રિપાઠીને IPC કલમ 341/506 (1) અને SC-ST એક્ટની કલમ 3 (1) હેઠળ આરોપમાંથી મુક્ત કર્યા હતા.