નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સંગઠિત રોકાણ અને પાર્ટ ટાઈમ જોબ ફ્રોડમાં કથિત સંડોવણી બદલ વિદેશી લોકો દ્વારા ચલાવવામાં આવતી 100 વેબસાઈટને બ્લોક કરી દીધી છે. આ વેબસાઈટોને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ગયા અઠવાડિયે ગૃહ મંત્રાલય ( MHA )ની ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર વિંગ દ્વારા તેના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ ( NCTAU) દ્વારા બ્લોક કરવામાં આવી હતી.
પાર્ટ ટાઇમ જોબ ફ્રોડ : સંગઠિત રોકાણ અને ગેરકાયદે કામ આધારિત પાર્ટ ટાઇમ જોબ ફ્રોડમાં શામેલ 100થી વધુ વેબસાઇટ્સને ઓળખવામાં આવી હતી અને તેને બંધ કરવા ભલામણ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ વેબસાઈટ્સને બ્લોક કરી દીધી છે.
મોટાપાયે આર્થિક છેતરપિંડી : આ વેબસાઇટ્સ કામ આધારિત અને ગેરકાયદે રોકાણ સંબંધિત આર્થિક ગુનાઓને પ્રોત્સાહન આપે છે. તે વિદેશી લોકો દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી અને તેઓ ડિજિટલ જાહેરાતો, ચેટ મેસેન્જર્સ અને ભાડે આપેલા એકાઉન્ટ્સનો ઉપયોગ કરતાં હતાં. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ' એ પણ બહાર આવ્યું છે કે મોટાપાયે આર્થિક છેતરપિંડીની રકમ કાર્ડ નેટવર્ક, ક્રિપ્ટો કરન્સી, વિદેશી ATM ઉપાડ અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓનો ઉપયોગ કરીને ભારતમાંથી બહાર લઇ જવામાં આવી હતી.
નાગરિકો માટે નોંધપાત્ર ખતરો ઉભો થયો : 1930 હેલ્પલાઈન અને NCRP દ્વારા આ સંબંધમાં ઘણી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી અને આ ગુનાઓ નાગરિકો માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી રહ્યા હતાં અને તેમાં ડેટા સુરક્ષાની ચિંતાઓ પણ હતી. આ કૌભાંડોમાં સામાન્ય રીતે લક્ષ્યાંકિત ડિજિટલ જાહેરાત જેવા પગલાં શામેલ હોય છે. આને વિદેશી જાહેરાતકર્તાઓ તરફથી ગૂગલ અને મેટા જેવા પ્લેટફોર્મ પર જોબ્સ એટ હોમ અને કેવી રીતે કમાણી કરવી જેવા કીવર્ડનો ઉપયોગ કરીને બહુવિધ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવે છે.
કઇ રીતે ટાર્ગેટ કરે છે : આ લોકોના નિશાને મોટાભાગે નિવૃત્ત કર્મચારીઓ, મહિલાઓ અને બેરોજગાર યુવાનો હોય છે જેઓ પાર્ટ ટાઈમ નોકરી શોધતાં હોય છે. "જાહેરાત પર ક્લિક કર્યા પછી વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરનાર એજન્ટ સંભવિત વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરે છે. તેમ જ અમુક પ્રક્રિયાઓ કરવા માટે સમજાવે છે જેમ કે વિડિઓઝ અને મેપ્સ રેટિંગ પસંદ કરવા અને સબ્સ્ક્રાઇબ કરવા મનાવે છે.
અજાણી વ્યક્તિ સંપર્ક કરે તો સાવધ રહો : કામ પૂરું કરનારા ટાર્ગેટ વ્યક્તિને શરૂઆતમાં થોડું કમિશન આપવામાં આવે છે એ રીતે વિશ્વાસ ઊભો કરી આપેલા કામ માટે વધુ વળતર મેળવવા માટે વધુ રોકાણ કરવાનું કહેવામાં આવે છે. જ્યારે પીડિત મોટી રકમ જમા કરે છે ત્યારે ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે અને આમ છેતરપિંડી આચરવામાં આવે છે. મંત્રાલયે આવા લોકોથી બચવા સાવચેતીના પગલાં તરીકે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ પર પ્રાયોજિત ઓનલાઈન સ્કીમની ચૂકવણી કરતી આવી કોઈપણ વેબસાઇટ રોકાણ કરતા પહેલા યોગ્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ અજાણી વ્યક્તિ તમારો વોટ્સએપ અને ટેલિગ્રામ પર સંપર્ક કરે છે, તો વેરિફિકેશન વગર નાણાકીય વ્યવહાર કરવાનું ટાળો.