નવી દિલ્હી : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ભવિષ્યમાં કોકરનાગ જેવા હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોને મદદ કરવા માટે કાશ્મીરમાં 100 વિશેષ પ્રશિક્ષિત કોબ્રા કમાન્ડોની નિયુક્તિ કરી છે.
આતંકવાદી હુમલાઓનો સામનો થશે જોરદાર : સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ ETV ભારતને જણાવ્યું કે કોબ્રા કમાન્ડો અન્ય સુરક્ષા દળોને આતંકવાદી હુમલાઓનો સામનો કરવામાં મદદ કરશે, ખાસ કરીને ખીણના પર્વતીય અને ગાઢ જંગલ વિસ્તારોમાં થતા હુમલાઓ રોકી શકાશે. “ કોબ્રા કમાન્ડો અન્ય સુરક્ષા એજન્સીઓને મદદ કરશે. જો જરૂરી હોય તો કોબ્રા કમાન્ડો પણ આતંકવાદીઓ સામે આક્રમણ શરૂ કરશે, અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
કોબ્રા કમાન્ડોને તહેનાત કરવાનો નિર્ણય : સીઆરપીએફની કોબ્રા બટાલિયનને જંગલ અને ગેરિલા યુદ્ધની ખાસ તાલીમ આપવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે નક્સલીઓનો સામનો કરવા માટે થાય છે. સુરક્ષા દળો પર જંગલમાંથી હુમલો કરવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની વ્યૂહરચના બદલાયા બાદ સરકારે કોબ્રા કમાન્ડોને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.
આતંકી હુમલામાં શહીદ થયાં જવાન : આ મહિનાની શરૂઆતમાં અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગાઢ જંગલમાંથી લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આવા જ એક હુમલામાં કર્નલ અને આર્મીના એક મેજર સહિત ચાર સુરક્ષા કર્મચારીઓ અને જમ્મુ અને કાશ્મીરના એક ડીએસપી શહીદ થયાં હતાં.
111 આતંકવાદીઓ સક્રિય : અધિકારીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 71 વિદેશીઓ સહિત ઓછામાં ઓછા 111 આતંકવાદીઓ સક્રિય છે. તેમણે કહ્યું કે અર્ધલશ્કરી દળોએ સંવેદનશીલ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આતંકવાદ વિરોધી કામગીરી અને પેટ્રોલિંગને વધુ તીવ્ર બનાવ્યું છે. તેમણે કહ્યું કે, "અત્યાર સુધીમાં 71 વિદેશી આતંકવાદીઓ અને 40 સ્થાનિક આતંકવાદીઓ સહિત J&Kમાં 111 આતંકવાદીઓ સક્રિય છે. "
47 આતંકવાદીઓને ઝબ્બે : તેમણે કહ્યું કે 2022માં આ ક્ષેત્રમાં 55 સ્થાનિક આતંકવાદીઓ અને 82 વિદેશી આતંકવાદીઓ સહિત 137 આતંકવાદીઓ સક્રિય હતાં. ઓપરેશનની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે 2023માં અત્યાર સુધીમાં 9 સ્થાનિક આતંકવાદીઓ અને 38 વિદેશી આતંકવાદીઓ સહિત 47 આતંકવાદીઓને ઝબ્બે કરવામાં આવ્યા છે.
કેટલા આતંકીઓ પકડાયાં : 2022માં 187 આતંકવાદીઓને પકડવામાં આવ્યાં હતાં. જેમાં 130 સ્થાનિક આતંકવાદીઓ અને 57 વિદેશી આતંકવાદીઓ હતાં તેમં અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 2022માં 373ની સામે 2023માં 204 આતંકવાદીઓ પકડાયા હતાં.