ઝારખંડ : રાંચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા સામે અચાનક ઘૂસી આવેલી મહિલા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ અંગે NSG દ્વારા રાંચી પોલીસ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતા જાણીજોઈને વડાપ્રધાનના વાહનની સામે આવનાર મહિલા વિરુદ્ધ રાંચીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક : આ બનાવ અંગેની વિગત અનુસાર બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રાજભવનથી નીકળ્યા બાદ રેડિયમ રોડ થઈને રાંચીના એસએસપી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વડાપ્રધાનની ગાડી ત્યાં ગાર્ડન ફ્રેશ નામની સ્થાપનાની સામે પહોંચી હતી. તે જ સમયે અચાનક સંગીતા ઝા નામની મહિલા સુરક્ષા કોર્ડન તોડીને વડાપ્રધાનની કાર સામે આવી પહોંચી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ મહિલાને વડાપ્રધાનની ગાડી સામેથી દૂર કરી હતી.
3 પોલીસકર્મી સસ્પેન્ડ : આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને NSG દ્વારા રાંચી પોલીસ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. આ મામલામાં કાર્યવાહી કરવામાં આવતા ઘટનાસ્થળે તૈનાત ત્રણ પોલીસકર્મીઓને બુધવારે રાત્રે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવારના રોજ વડાપ્રધાની સુરક્ષા માટે ફરજ પર રહેલા ઇન્સ્પેક્ટર વિનોદ પાસવાન દ્વારા રાંચીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ મહિલાને કસ્ટડીમાં લીધા બાદ તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. રાંચી પોલીસે તેના બેકગ્રાઉન્ડ વિશે સંપૂર્ણ માહિતી પણ એકત્રિત કરી છે.
શું હતો બનાવ ? બુધવારના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી જેલ ચોક સ્થિત બિરસા મુંડા જૂની જેલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રેડિયમ રોડ પરથી પસાર થતી વખતે એક મહિલા વડાપ્રધાનના કાફલા વચ્ચે ઘૂસી ગઈ હતી. મહિલા દોડીને સીધી જ વડાપ્રધાનની કાર સામે આવી ગઈ હતી. જોકે મહિલાને અચાનક કાર સામે આવતા જોઈને ઇમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. વડાપ્રધાનનો કાફલો રોકવાના કારણે NSG અને અન્ય સુરક્ષા જવાનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. મહિલાને રોડ પર બાજુમાં લઈ ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો કડક સુરક્ષા વચ્ચે રેડિયમ રોડથી રવાના થયો હતો.
પતિથી પરેશાન મહિલા : મળતી માહિતી અનુસાર મહિલા સંગીતા ઝા તેના પતિના કારણે ચિંતિત હતી. તે વડાપ્રધાનને મળવા દિલ્હી પણ ગઈ હતી. પરંતુ બુધવારે જ્યારે સંગીતાને માહિતી મળી કે વડાપ્રધાન રેડિયમ રોડ પરથી પસાર થવાના છે ત્યારે તે દોડીને તેમના કાફલા સામે આવી પહોંચી હતી.
તંત્રની કાર્યવાહી : વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ સામે આવ્યા બાદ રાંચીના SSP દ્વારા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાં પશ્ચિમ સિંહભૂમમાં તૈનાત ASI અબુ ઝફર, કોન્સ્ટેબલ છોટાલાલ ટુડૂ અને રંજન કુમારનો સમાવેશ થાય છે. આ અંગે SP દ્વારા બુધવારના રોજ આદેશ આપવામાં આવ્યો હતો.