નવી દિલ્હીઃ રાજકીય ગુનાઓને ડામવાઃ એક જવાબદારીનું આહવાન: આવનારા દિવસોમાં તેલંગાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણી પંચ પારદર્શક ચૂંટણીઓ યોજાય તેના માટે ચોકસાઈ રાખી રહી છે. સેન્ટ્રલ ઈલેક્શન કમિશ્નર (CEC) રાજીવકુમારે પ્રેસ રીલીઝમાં ચૂંટણી ઉમેદવારોને તેમના ગુનાહિત રેકોર્ડ્સની યાદી સંદર્ભે સૂચનાઓ આપી છે. આ ઉપરાંત રાજીવકુમારે રાજકીય પાર્ટીઓને પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની પસંદગી બદલ ખુલાસો રજૂ કરવાની સૂચના આપી છે. ભારતીય રાજકારણમાં જેમના વિરુદ્ધ ગુના નોંધાયેલા હોય તેવા લોકો રાજકારણમાં આવી રહ્યા છે તેવો એક ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એસોસિયેશન ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટ અનુસાર રાજ્ય સભા અને લોકસભાના કુલ 763 સાંસદોમાંથી 40 ટકા એટલે કે 306 સાંસદ વિરુદ્ધ ગંભીર પ્રકારના ફોજદારી ગુના નોંધાયેલા છે. આ ભારતીય લોકશાહી માટે એક ચેતવણીની ઘંટડી સમાન છે. 2004માં ફોજદારી ગુના નોંધાયેલા હોય તેવા સાંસદોની સંખ્યા 128 હતી જ્યારે તેની સરખામણીમાં 2019માં આ પ્રકારના સાંસદોની સંખ્યા 233 જેટલી થવા પામી છે. દેશના 44 ટકા સાંસદો જે કાયદાની રચના કરે છે તે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે તે ખરેખર આઘાત જનક છે. ભારતનું ભવિષ્ય નિર્માણ કરનારા સાંસદો, ધારાસભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારથી લઈને હત્યા સુધીના ફોજદારી ગુના નોંધાયેલા હોવા તે ખરેખર આઘાતજનક છે.
લોકશાહીમાં ચૂંટાયેલા ઉમેદવારો પ્રત્યે મતદારોના વિશ્વાસનું ધોવાણ એ ગંભીર બાબત છે. રાજકીય પૃષ્ઠભૂમિ પર ફોજદારી ગુના નોંધાયેલા હોય તેવા ઉમેદવારોના હાથમાં સત્તા આવે તે ખરેખર હાનિકારક છે. અત્યારની વર્તમાન સ્થિતિમાં ભારતમાં રાજકીય નેતા પર જો ગુનો સાબિત થાય તો જ તેમને ડિસક્વાલિફાય કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા ચૂંટણી કમિશને જણાવ્યું કે જો ચૂંટણીના કોઈ ઉમેદવાર વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થાય તો તેની જ્યુડિશિયલ સ્કૃટિની થવી જોઈએ. તેમજ 5 વર્ષ કે તેથી વધુ જેલવાસની સજા હોવી જોઈએ. આ ભલામણનો અમલ ખરેખર પેરામાઉન્ટ છે. પરંતુ રાજકીય નેતાઓ આ સજાનો રાજકીય વેરઝેર માટે દુરુપયોગ કરી શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. ચૂંટણીના ઉમેદવારો પર આ પ્રક્રિયા પારદર્શીય અને ફેર રીતે થાય તે આવશ્યક છે. આપણી ઉમેદવારોને ચૂંટવાની પ્રક્રિયા ગુનાહિત રાજકારણથી પર હોવી જોઈએ. આપણી લોકશાહીને નિર્માણ કરતી પદ્ધતિ પર નાણાંને બદલે મત ખરીદવાનું દૂષણ એટલે કે નાણાં રાજકારણ અનેકવાર હાવી થઈ જાય છે. ચૂંટણી કમિશ્નરે આ બાબત જણાવી કે નાણાથી મત ખરીદવા તે આપણી લોકશાહીના પાયાને લુણો લાગવા બરાબર છે. દરેક રાજકીય પક્ષે નાણાંથી થતી મત ખરીદીને એક ગંભીર બાબત ગણીને તેના વિરુદ્ધ પગલા ભરવા જોઈએ. નાણાંથી મત ખરીદીને સરકાર બને ત્યારે તેની સીધી હાનિકારક અસર દેશના વિકાસની દિશા પર પડે છે. દેશ અને તેમાં વસતા નાગરિકોના હિત માટે રાજકીય પાર્ટીઓએ ચૂંટણીમાં વપરાતા કાળાનાણાં પર પ્રતિબંધ લાવવો જોઈએ. જો આવા ભ્રષ્ટ નેતાઓને દૂર કરવામાં આવશે તો જ સાચા અને ઉમદા લોકો જનતાના પ્રતિનિધિ બની શકશે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય પાર્ટીઓએ આવી ગતિવિધિ રોકવા માટે ગંભીરતાથી પ્રતિબદ્ધતા દાખવવી પડશે. આ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં નિષ્ફળતા એ ચૂંટણીની પ્રક્રિયાને અર્થહિન બનાવી દેશે.
અંદર રહેલા ભ્રષ્ટાચારથી પોકળઃ નાણાંથી મત ખરીદીને કે બીજી કોઈ લાંચ આપીને જન પ્રતિનિધિ બનતા નેતાઓને લીધે જનતાનો વિશ્વાસ રાજનેતાઓ પરથી ઓછો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે ભૂતકાળમાં ફોજદારી ગુના નોંધાયેલા હોય તેવા ચૂંટણી ઉમેદવારો પર કડક કાર્યવાહીની તરફેણ કરી હતી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરીને આ વાસ્તવિકતામાં પરિવર્તન લાવી શકાશે. સત્તા પક્ષની જવાબદારીમાં ચૂંટણી ટાણે મતદારોને આપેલા વચનોને પૂરા કરવાનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી ટાણે મતદારોને આપેલા વચનો ન પૂરા કરવાથી મતદારોના વિશ્વાસ સાથે દગો કરવા બરાબર છે. જેનાથી રાજકારણનું સ્તર નીચુ જાય છે જે ખરેખર નિરાશાજનક છે. ચૂંટણીપંચે પક્ષોને ઠાલા વચનો ન આપવા અને આ વચનોની પૂર્તિ કરવા માટે જવાબદારી સ્વીકારવા આહવાન કર્યુ છે. જો કે ચૂંટણીપંચની આ હાકલ જાડી ચામડીના નેતા અને રાજકીય પક્ષોના કાને પડતી નથી. ખોટા અને ઠાલા વચનોને રોકવા માટે નવા કાયદા સ્થાપવા જરૂરી છે. દરેક રાજકીય પક્ષોએ તેમના ચૂંટણીઢંઢેરામાં પૂરા થઈ શકે તેવા જ વચનો આપવા જોઈએ. જો સત્તા પક્ષ પોતાના વચનો પૂરા ન કરી શકે તો તેને સત્તા છોડવા ફરજ પણ પાડવી જોઈએ. આ સમસ્યાના નિવારણ માટે એક અલગ કાયદાકીય માળખાની જરૂરિયાત છે. યેન કેન પ્રકારે સત્તા મેળવી લેવી અને પછી સત્તાનો દુરઉપયોગ કરવો તે ધારણાને ત્યજીને આપણે ઝેરી રાજકારણનો અંત લાવી શકીશું. મતદારોનો વિશ્વાસ જાળવી રાખવામાં આવે અને તેમના અવાજને વાચા આપવામાં આવે ત્યારે જ દેશમાં સાચી લોકશાહી જીવંત થશે.