ચામરાજનગર (કર્ણાટક): કોલેગલ તાલુકા ચામરાજનગર જિલ્લાના કુનાગલ્લી ગામમાં તેમના આંતરજ્ઞાતિય લગ્ન માટે એક દંપતિને તેમના ગામમાં દંડ અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દંપતીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. પરંતુ ગામલોકોને તેમની અલગ-અલગ જાતિ વિશે ખબર પડતાં દંડ ફટકાર્યો હતો.
આંતર-જ્ઞાતિ લગ્ન 6 લાખનો દંડ: ગ્રામજનોએ આંતર-જ્ઞાતિ લગ્ન માટે દંપતીને રૂપિયા 6 લાખનો દંડ ફટકાર્યો હતો અને ગામમાં બહિષ્કાર કર્યો હતો. દંપતી અપમાન સહન કરી શક્યા નહોતા અને 1 માર્ચના રોજ કોલેગલમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સામે આવેલી માહિતી પ્રમાણે ઉપપરા શેટ્ટી સમુદાયના ગોવિંદરાજુને મંડ્યાની શ્વેતા સાથે પ્રેમ થઈ ગયો હતો. જે અનુસૂચિત જાતિની હતી. જ્યારે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે છોકરા અને છોકરીના પરિવારો વિરોધ વિના સંમત થયા અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેમના લગ્ન સંપન્ન થયા હતા.
આ પણ વાંચો: Himachal News : હિમાચલના મણિકર્ણમાં પંજાબના પ્રવાસીઓએ મચાવ્યો હંગામો
ગામમાંથી બહિષ્કાર: ગોવિંદરાજુ માલવલ્લીમાં સ્થાયી થયા હતા. પરંતુ અવારનવાર કુનાગલ્લીમાં તેમની પત્ની સાથે તેમના માતાપિતાને મળવા આવતા હતા. ગયા મહિને જ્યારે દંપતી ત્યાં આવ્યું ત્યારે શ્વેતાએ તેના પાડોશી સાથે વાત કરીને ખુલાસો કર્યો હતો કે તે દલિત છે. આ મામલો ગામના વડીલો સુધી પહોંચ્યો હતો અને તેઓએ 23 ફેબ્રુઆરીએ એક બેઠક યોજી હતી. તેઓએ દંપતીના માતા-પિતાને બોલાવ્યા હતા અને તેમના પર રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો હતો અને 1 માર્ચ સુધીમાં દંડ ભરવા જણાવ્યું હતું. આ સંબંધમાં દંપતીએ ગામના 12 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી ફરિયાદની જાણ થતાં વડીલોએ દંડની રકમ વધારીને રૂપિયા 6 લાખ કરી અને ગોવિંદરાજુના પરિવારનો ગામમાંથી બહિષ્કાર કર્યો.
આ પણ વાંચો: AAP Reply to Manoj Tiwari: સૌરભ ભારદ્વાજે મનોજ તિવારીને આપ્યો વળતો જવાબ, જાણો શું કહ્યું
15 લોકો સામે કેસ: દંપતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગ્રામજનોએ પરિવારને ગામની બહાર મોકલી દીધો છે અને આદેશ આપ્યો છે કે તેઓએ ગામમાંથી રાશન, શાકભાજી, દૂધ અને પાણી ખરીદવું નહીં. આ ઘટના સંદર્ભે 15 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને માહિતી મેળવી હતી.