નવી દિલ્હી : સહકારિતા પ્રધાન અમિત શાહે ગુરુવારના રોજ તુવેરદાળ ખરીદી માટેનું પ્લેટફોર્મ લોન્ચ કરતા કહ્યું કે, ડિસેમ્બર 2027 સુધીમાં દેશ કઠોળમાં આત્મનિર્ભર બની જશે. આપણે જાન્યુઆરી 2028 થી એક કિલો દાળ પણ આયાત કરીશું નહીં. ખેડૂતો આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે અને તેમની ઉપજને ન્યૂનતમ સમર્થન મૂલ્ય અથવા બજાર મૂલ્ય પર NAFED અથવા NCCF ને વેચી શકે છે.
તુવેરદાળ ખરીદી પ્લેટફોર્મ : અમિત શાહે કહ્યું કે, ભવિષ્યમાં અડદ અને મસૂર દાળના ખેડૂતો તેમજ મકાઈના ખેડૂતો માટે પણ આવી જ સુવિધા શરૂ કરવામાં આવશે. અમિત શાહે આ પ્લેટફોર્મના મારફતે તુવેરના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આશરે રૂ. 68 લાખ ટ્રાન્સફર પણ કર્યા છે. કોઓપરેટિવ નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (NAFEED) અને નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) 'બફર' સ્ટોક જાળવવા માટે સરકાર વતી કઠોળની ખરીદી કરે છે.
ખેડૂતોને સીધો ફાયદો : અમિત શાહે કહ્યું કે, તુવેરની વાવણી કરતા પહેલા તુવેરના ખેડૂતો તેમની ઉપજ NAFEED અને NCCF ને ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર વેચવા માટે પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે. નોંધાયેલ તુવેરના ખેડૂતો પાસે NAFEED/NCCF અથવા ખુલ્લા બજારમાં વેચવાનો વિકલ્પ હશે. જો તુવેર દાળની ખુલ્લા બજારમાં કિંમત MSP કરતા વધુ હોય તો તે કિસ્સામાં સરેરાશ દરની ગણતરી એક ખાસ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે.
કેન્દ્ર સરકારનું લક્ષ્ય : ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે, વધુ ખેડૂતો દાળની ખેતી કરતા નથી કારણ કે તેની કિંમત નિશ્ચિત નથી. કોઈ પ્લેટફોર્મ દ્વારા ખરીદી કરવાની આ પહેલ કૃષિ ક્ષેત્રમાં મોટો સુધારો લાવશે અને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવશે. દેશ હજુ પણ ચણા અને મગ સિવાયના ઘણા પ્રકારના કઠોળ માટે આયાત પર નિર્ભર છે.
ખેડૂતોને અપીલ : અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS), ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) અને પ્રગતિશીલ ખેડૂતોને પ્લેટફોર્મ વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા અપીલ કરતા કહ્યું કે, ડિસેમ્બર 2027 સુધીમાં દેશ કઠોળમાં આત્મનિર્ભર બનવો જોઈએ. આપણે જાન્યુઆરી 2028 થી એક પણ કિલો દાળ આયાત કરીશું નહીં.
કઠોળનું ઉત્પાદન : અમિત શાહે વધુમાં કહ્યું કે, લઘુત્તમ ટેકાના ભાવમાં બે ગણાથી વધુ વધારાના આધારે છેલ્લા 10 વર્ષમાં કઠોળનું ઉત્પાદન 2013-14 ના પાક વર્ષ (જુલાઈ-જૂન)માં 1.92 કરોડ ટનથી વધીને વર્ષ 2022-23 માં 2.605 કરોડ ટન થયું છે. જોકે, કઠોળનું સ્થાનિક ઉત્પાદન હજુ પણ વપરાશ કરતા ઓછું છે અને તે આયાત પર નિર્ભર છે. આ કાર્યક્રમમાં કૃષિપ્રધાન અર્જુન મુંડા, સહકારિતા રાજ્ય પ્રધાન બીએલ વર્મા અને ગ્રાહક બાબતોના રાજ્ય પ્રધાન અશ્વિની ચૌબે પણ ઉપસ્થિત રહ્યા હતા.