લુધિયાણાઃ પંજાબ પોલીસના એક જવાન મનપ્રીતને હાથ પર ઝેરી જીવડું કરડતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં તબીબોએ હાથ પર દવા લગાવતા સ્થિતિ વધુ બગડી હતી. દર્દીને 3 દિવસ વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ ઓથોરિટીએ તેણે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે તે જીવતો હોવા છતાં તેને મૃત ઘોષિત કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો.
નાડી ચાલુ હોવાનો દાવોઃ જ્યારે મનપ્રીત નામક પોલીસ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો ત્યારે એમ્બ્યુલન્સમાં સાથી પોલીસ કર્મચારીઓને લાગ્યું કે મનપ્રીતની નાડી ચાલી રહી છે. બીજી તરફ હોસ્પિટલના તબીબે સાથી પોલીસ કર્મચારીઓ અને પરિવારના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
મનપ્રીતના હાથ પર કરડ્યું હતું ઝેરી જંતુઃ મનપ્રીતના પિતા ASI રામજીના મતે તેમના પુત્રના હાથ પર એક ઝેરી જંતુ કરડ્યું હતું. શરીરમાં વધતા ચેપને કારણે, પરિવારે પુત્ર મનપ્રીતને 15 સપ્ટેમ્બરે AIIMS બસ્સી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડૉક્ટરે તેના હાથ પર કેટલીક દવા લગાવી. જેના કારણે મનપ્રીતના હાથમાં ભયંકર બળતરા થવા લાગી. તેનો હાથ સુજી ગયો હતો. મનપ્રીત આખી રાત ભયંકર પીડાથી પીડાતો રહ્યો.
3 દિવસ સુધી વેન્ટિલેટર પરઃ બીજા દિવસે સવારે ડૉક્ટરે મનપ્રીતને વેન્ટિલેટર પર મુકવાની વાત જણાવી. મનપ્રીતને સતત 2થી 3 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. 18મી સપ્ટેમ્બરે મોડી રાત્રે ફેમિલી ડોકટરે કહ્યું કે જો તેમના પુત્રની તબિયતમાં સુધારો ન જણાતો હોય તો તેને પીઆઈજીમાં રીફર કરવામાં આવે.
શું કહે છે AIIMS બસ્સી હોસ્પિટલના તબીબઃ AIIMS બસ્સી હોસ્પિટલના ડૉ. સાહિલે કહ્યું કે જ્યારે મનપ્રીતને લવાયો ત્યારે તેની કિડની ફેઈલ થઈ રહી હતી. તેમનું બીપી પણ ખૂબ જ અનિયમિત હતું. મનપ્રીતના પરિવારે હોસ્પિટલ તંત્રને જણાવ્યું નહતું કે દર્દીને ઝેરી જીવડું કરડ્યું હતું.