- કોંગ્રેસની વિશેષ સમિતિની બેઠક યોજાશે
- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું સંચાલન
- કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ વિશેષ સમિતિની મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજશે. જો કે, આ બેઠકનો હેતુ સ્પષ્ટ થયો નથી. તમને જણાવી દઇએ કે, આ બેઠકમાં વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તૈયારી શરૂ
કોંગ્રેસે ફરી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંગળવારે યોજાનારી કોંગ્રેસની વિશેષ સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી મુજબ પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ડિસેમ્બરમાં શરૂ થશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે 5 કલાકે બેઠક યોજાશે.
કપિલ સિબ્બલે સોનિયા ગાંધીને લખ્યો હતો પત્ર
આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે, જ્યારે ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસમાં સમીક્ષાનો મુદ્દો ઉભરી રહ્યો છે. કપિલ સિબ્બલે કોંગ્રેસના 23 નેતાઓમાંથી એક કે જેમણે સોનિયા ગાંધીને પક્ષ સુધારણાની માગ માટે પત્ર લખ્યો હતો. તેઓએ હારની સમીક્ષાની માગ કરી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી લઈને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરી સુધી કોંગ્રેસના નેતાઓ સિબ્બલ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઓગષ્ટમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ, સંગઠનાત્મક અને ઓપરેશનલ બાબતોમાં સોનિયા ગાંધીને મદદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી.
કોંગ્રેસ હારનો સામનો કરી રહી છે
તાજેતરમાં યોજાયેલી બિહારની ચૂંટણીઓમાં કોંગ્રેસ 70 બેઠકોમાંથી માત્ર 19 બેઠકો જીતી શકી હતી. કોંગ્રેસને મધ્ય પ્રદેશ પેટા-ચૂંટણીમાં 28માંથી માત્ર 9 બેઠકો મળી હતી. કર્ણાટકની બે વિધાનસભા બેઠકો અને ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.