નવી દિલ્હીઃ ચિંતન શિવિર બાદ કોંગ્રેસ પાર્ટીમાં 'વન મેન વન પોસ્ટ' લાગુ('One Man One Post Policy) કરાશે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી કમલનાથે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ AICC અને રાજ્ય સ્તરે 'વન મેન વન પોસ્ટ' નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે હોદ્દા ધરાવતા કોંગ્રેસના ઘણા નેતાઓને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાર્ટી ઈચ્છે છે કે રાજ્ય એકમ તેના પ્રદર્શનમાં વધુ સક્રિય બને અને રાજકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે. બે પોસ્ટ ધરાવતી વ્યક્તિને હવે માત્ર એક જ સોંપણી આપવામાં આવશે.
કયા નેતાઓ બન્ને પોસ્ટ પર કાર્યરત - અધીર રંજન ચૌધરી, રણદીપ સિંહ સુરજેવાલા અને મુકુલ વાસનિક જેવા કોંગ્રેસી નેતાઓ એક કરતા વધુ પોસ્ટો ધરાવે છે. અધીર રંજન ચૌધરી લોકસભામાં ફ્લોર લીડર અને પશ્ચિમ બંગાળ પાર્ટીના અધ્યક્ષનો હવાલો ધરાવે છે, જ્યારે રણદીપ સિંહ સુરજેવાલા પાર્ટીના કર્ણાટક મહાસચિવ અને પ્રભારી છે અને પાર્ટીના સંચાર વિભાગના વડા પણ છે. મુકુલ વાસનિક મધ્ય પ્રદેશ પાર્ટીના મહાસચિવ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ના સચિવ છે.
શા માટે આ નિતિ અમલમાં મુકાશે - કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે ગુરુવારે રાજ્ય વિધાનસભામાં LoPના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને ગોવિંદ સિંહની નિમણૂક કરી છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે ગુરુવારે કમલનાથને પત્ર લખ્યો હતો કે, ''તમને જાણ કરવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ વિધાયક દળ, મધ્યપ્રદેશના નેતા પદ પરથી તમારું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે''. CLP ના રૂપમાં તમારા યોગદાનની પાર્ટી દિલથી પ્રશંસા કરે છે. કમલનાથ વિપક્ષના નેતા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના હોદ્દા પર હતા. હવે તેઓ માત્ર પાર્ટીના રાજ્ય એકમના વડા છે.