સુલતાનપુરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર અભદ્ર ટીપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સુલતાનપુરની એમપી એમએલએ કોર્ટે શનિવારે હાજર રહેવાનો આદેશ કર્યો હતો. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન પણ જાહેર કર્યુ હતું. જો કે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા નહતા. રાહુલ ગાંધી ગેરહાજર રહેતા કોર્ટે 6 જાન્યુઆરી 2024ના રોજ ફરીથી હાજર રહેવાનો હુકમ કર્યો છે. એડીજે યોગેશકુમાર યાદવની કોર્ટે આપેલા આદેશથી રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે.
મામલો વર્ષ 2018નો છે. જ્યારે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીથી પરિવાદીની લાગણીઓ દુભાઈ હતી. પરિવાદી વિજય મિશ્ર પૂર્વ ચેરમેન સહકારી બેન્ક અને અન્ય સાક્ષીઓના નિવેદન નોંધી લીધા બાદ 18 નવેમ્બરે કોર્ટે સુનાવણી શરુ કરી હતી. કોર્ટે સમગ્ર સુનાવણી બાદ ચુકાદો રીઝર્વ રાખ્યો હતો. 27 નવેમ્બરે એમપી એમએલએની ખાસ કોર્ટના મેજિસ્ટ્રેટ યોગેશકુમાર યાદવે રાહુલ ગાંધીને રુબરુ હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટે સમન પાઠવીને રાહુલ ગાંધીને આદેશ કર્યો હતો.
ભાજપ નેતા વિજય મિશ્રએ રાહુલ ગાંધી વિરુદ્ધ પરિવાદ દાખલ કર્યો હતો. જો કે કાર્યવાહીમાં બહુ વિલંબ થયો હતો. હવે કાર્યવાહી ફરીથી શરુ થઈ અને બંને પક્ષોએ દલીલ કરી હતી. આ કેસ સિવાય એક ગંભીર આરોપો સંદર્ભે રાહુલ ગાંધી પર આ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વર્ષ 2013માં મધ્ય પ્રદેશના ઈંદોરમાં એક જનસભાને સંબોધતા મુઝફ્ફરનગરના હુલ્લડોના પીડિતો સંદર્ભે રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે પરિવાદ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પુરાવાઓ પર કાર્યવાહી થઈ રહી છે. લાંબા સમયથી ડોક્યુમેન્ટ્સ મિસપ્લેસ હોવાથી કાર્યવાહી અટકી પડેલી હતી. જો કે સત્વરે આ કેસમાં ઝડપી કામગીરી થાય તેવી આશા છે. રાહુલ ગાંધી આગામી 6 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રુબરુ ઉપસ્થિત થઈ શકે છે.