- ખેડૂતોના આંદોલનના કારણે શિરોમણી અકાલી દલ ઝપેટમાં
- 8માંથી 7 કૉર્પોરેશનમાં કોંગ્રેસને સત્તા મળી
- ગુજરાતમાં કોંગ્રેસ માટે મુશ્કેલ ચઢાણ
હૈદરાબાદ : ખેડૂતોના આંદોલનના કારણે શિરોમણી અકાલી દલ ઝપટમાં આવી ગયેલો છે. આ મુદ્દાને કેપ્ટન અમરિન્દર સિંહે એવી રીતે ઉઠાવ્યો કે, અકાલી દલ માટે વિમાસણભરી સ્થિતિ ઊભી થઈ છે. આ મુદ્દો પોતાને નડશેે એવા ભયથી અકાલી દલે ભાજપ સાથેનો નાતો તોડી નાખ્યો છે. કેપ્ટને એવી રીતે મામલો ઉઠાવ્યો કે, અકાલી દલ ભાજપનો સાથ છોડીને પછીય ખેડૂતો વચ્ચે જઈ શક્યો નહિ.
8માંથી 7 કૉર્પોરેશનમાં કોંગ્રેસને સત્તા મળી
પંજાબમાં પંચાયતોની ચૂંટણી યોજાઈ તેમાં અકાલીને પછડાટ મળી હતી. ખેડૂતોના આંદોલનનો સૌ પ્રથમ કોઈને ફાયદો થયો તો તે કોંગ્રેસને થયો છે એમ કહી શકાય, કેમ કે પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી છે. 8માંથી 7 કૉર્પોરેશનમાં કોંગ્રેસને સત્તા મળી છે, જેમાં એક માત્ર મુદ્દો ત્રણ કૃષિ કાયદા બન્યા હતા. સૌથી ધ્યાનાકર્ષક વિજય ભટિંડામાં મળ્યો, કે જ્યાં પુરા 53 વર્ષો પછી કોંગ્રેસને સત્તા મળી છે.
હરિયાણામાં પંજાબના પરિણામોની અસર પડી શકે
શહેરી વિસ્તારોમાં પણ કોંગ્રેસને વિજય મળ્યો છે તેના પડઘા પડોશી રાજ્ય હરિયાણામાં પણ પડશે. હરિયાણામાં ભાજપના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની સરકાર કાખઘોડી પર ચાલી રહી છે. ગઠબંધનની આ સરકાર પર પંજાબના આ પરિણામોની અસર પડી શકે છે. પંજાબમાં કોંગ્રેસને મળેલા વિજયથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને પણ જોશ પ્રાપ્ત થશે.
રાકેશ ટિકૈતના લીધે જાટ પ્રજા જાગી ગઈ હતી
ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ વિચારવું પડશે કે જાટ વોટોનું શું થશે. રાકેશ ટિકૈત સરકારની ભીંસને કારણે રડી પડ્યા ત્યારે જાટ પ્રજા જાગી ગઈ હતી અને ફરીથી આંદોલનને જીવંત બનાવ્યું હતું. જોકે, હજી સુધી તે રાજકીય રીતે મજબૂત નથી બન્યું, તેથી યોગી અત્યારે કદાચ નચિંત રહી શકે છે. હાલમાં પશ્ચિમના વિસ્તારોમાં દિલ્હીની આસપાસના વિસ્તારોમાં જ આંદોલન કેન્દ્રીત થયું છે અને યુપીના બીજા વિસ્તારોમાં ફેલાયું નથી.
સરકારે કહ્યું કે, કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં નહિ આવે
સૌથી મોટો સવાલ એ છે કે, ખેડૂત આંદોલનના પડઘા આ રીતે ચૂંટણીમાં પડે તો શું રાજકીય પરિણામો વિશે ભાજપ નચિંત થઈને રહી શકે ખરી. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવશે નહિ. જોકે, સરકારે તેમાં ઘણા બધા સુધારા કરવાની તૈયારી બતાવી છે. સરકારે લીધેલા જીદ્દી વલણને કારણે મામલો ઉલટો ગૂંચવાયો છે. ભાજપને આ મડાગાંઠ રાજકીય રીતે નડી શકે છે.
તામિલનાડુમાં ભાજપનું કોઈ મહત્ત્વ નથી
પંજાબમાં અકાલી દલ સાથેનું ગઠબંધન હતું. તેમાં ભાજપ જૂનિયર પાર્ટનર હતો. પરંતુ એ વાતની અવગણના ના થઈ શકે કે પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સૌથી અગત્યનો મુદ્દો કૃષિ કાયદાઓનો જ હતો. પાંચ રાજ્યોની ચૂંટણી નજીક આવી છે, તેમાં કોઈ રાજ્ય ઉત્તર ભારતનું નથી. કેરળ અને તામિલનાડુમાં ભાજપનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું અને આસામમાં જાળવી રાખવાનું લક્ષ્યાંક ભાજપનું છે. આ રાજ્યોમાં કિસાનોનો અસંતોષ કેટલો અસર કરે તે ધારણાનો જ વિષય છે, પરંતુ ચૂંટણી દરમિયાન તે ચર્ચાસ્પદ તો રહેવાનો જ છે.
ગુજરાતમાં કોંગ્રેસ માટે મુશ્કેલ ચઢાણ
કેપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસમાં પોતાની તાકાત ધરાવતા નેતા છે. વિજય પછી કોંગ્રેસી કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે '2022 લાઇ કેપ્ટન' એ દર્શાવે છે કે, કાર્યકરોમાં તેઓ ઉત્સાહ પ્રેરી શક્યા છે. જોકે, પંજાબમાં મળેલી સફળતા બીજા રાજ્યોમાં પરાવર્તિત કરવાનો પડકાર સૌથી જૂના પક્ષ કોંગ્રેસ સામે છે. ગુજરાતમાં પંચાયતો અને મહાપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યાં કોંગ્રેસ માટે મુશ્કેલ ચઢાણ દેખાઈ રહ્યું છે. છે.
આગામી મહિનાઓમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી
ખેડૂતોના વિરોધ પ્રદર્શનની અસર હિન્દી પટ્ટામાં કેટલી થાય છે તે જોવાનું હજી બાકી છે. આગામી દિવસોમાં વધારે જગ્યાએ દેખાવો થવાના છે. કેમ કે, સરકારની નીતિ સામે હજીય નારાજગી જોવા મળી રહી છે. શું પંજાબના પરિણામોને કારણે કોંગ્રેસમાં ઉત્સાહ આવશે ? શું આગામી મહિનાઓમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં તેની કોઈ અસર દેખાશે ખરી ? જવાબ માટે બસ થોડા મહિનાઓ જ રાહ જોવાની છે.