કૈથલઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ને હજુ વાર છે પણ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોર શોરથી થઈ રહ્યો છે. ચૂંટણીઓના સમયમાં રાજનેતા તેમના વિધાનો અને ટીપ્પણીઓને કારણે ચર્ચામાં રહેતા હોય છે. કૉંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાની વિવાદાસ્પદ ટીપ્પણી સામે આવી છે. રવિવારે કૈથલમાં કૉંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને સંબોધન કરતી વખતે સુરજેવાલાએ બીજેપી-જેજેપી ગઠબંધન સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા. તેમણે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકરોને રાક્ષસીય પ્રકૃતિના કહ્યા.
જન આક્રોશ રેલીમાં કરી વિવાદાસ્પદ નિવેદનઃ કૈથલના ઉદયસિંહ કિલા ખાતે કૉંગ્રેસ પાર્ટી તરફથી જન આક્રોશ રેલી યોજાઈ હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા રણદીપ સુરજેવાલા કરી રહ્યા હતા. સુરજેવાલા સાથે કિરણ ચૌધરી પણ ઉપસ્થિત હતા. જનસભાને સંબોધન કરતા સુરજેવાલાએ ભાજપ અને તેના સમર્થકો અને કાર્યકર્તાઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, જે મતદાતાઓ ભાજપને મત આપે છે અને ભાજપનું સમર્થન કરે છે તે મતદાતા, રાક્ષસીય પ્રકૃતિ ધરાવે છે, હું આજે મહાભારતની આ ધરતી પરથી તેમને શ્રાપ આપું છું.
3 લાખ 59 હજાર વિદ્યાર્થીઓએ 4 વર્ષમાં પેપર પાસ કર્યું પણ ખટ્ટર સાહેબ તેમને પરીક્ષાની પરવાનગી આપતા નથી. તમે યુવાનોને નોકરી ભલે ના આપો પણ તેમણે પરીક્ષા આપવાનો મોકો જરૂરથી આપવો જ રહ્યો...રણદીપ સુરજેવાલા (રાષ્ટ્રીય મહાસચિવ, કૉંગ્રેસ)
રાજ્ય સરકાર પર વાકપ્રહારઃ હરિયાણા સરકારની વિફળ નીતિઓને પરિણામે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે તે અનુસંધાને રણદીપ સુરજેવાલા, કિરણ ચૌધરી અને કુમારી શૈલજા હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં જનસભા કરીને સરકારના કામકાજની ટીકા કરી રહ્યા છે. આ શ્રેણીમાં રવિવારે કૈથલના ઉદયસિંહ કિલા ખાતે જન આક્રોશ પ્રદર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન આક્રોશ રેલીમાં હજારો કૉંગ્રેસ સમર્થક આવ્યા હતા. જનસભાને સૌ પ્રથમ સંબોધન કરતા કિરણ ચૌધરીએ સરકારની વિફળ નીતિઓનું વર્ણન કર્યુ હતું.