- 16 ઑક્ટોબરના કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક
- વર્તમાન પરિસ્થિતિ અને આગામી વિધાનસભા ચૂંટણી પર થશે ચર્ચા
- કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઇને પણ થઈ શકે છે વાતચીત
નવી દિલ્હી: કૉંગ્રેસના G-23 નેતાઓના જૂથ તરફથી પાર્ટીની અંદર સંવાદની માંગ કરવામાં આવતા અને તાજેતરના મહિનાઓમાં અનેક નેતાઓએ પાર્ટી છોડી દીધી હોવાની ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક આગામી 16 ઑક્ટોબરના રોજ બોલાવવામાં આવી છે. જેમાં સંગઠનાત્મક ચૂંટણી (Congress organizational election), આગામી વિધાનસભા ચૂંટણી (Assembly elections) અને વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે (K. C. Venugopal) શનિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
આગામી વિધાનસભા ચૂંટણી પર થશે ચર્ચા
તેમણે કહ્યું કે, કૉગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 16 ઑક્ટોબરના સવારે 10 વાગ્યે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના કાર્યાલય 24, અકબર રોડ ખાતે બોલાવવામાં આવી છે, જેથી વર્તમાન રાજકીય સ્થિતિ, આગામી વિધાનસભા ચૂંટણી અને સંગઠનાત્મક ચૂંટણીઓ પર ચર્ચા કરી શકાય.
વરિષ્ઠ નેતાઓએ CWCની બેઠક બોલાવવાની માંગ કરી હતી
CWC કૉંગ્રેસનું નિર્ણય લેનારું સર્વોચ્ચ યુનિટ છે. કેટલાક દિવસ પહેલા પાર્ટી સૂત્રોએ કહ્યું હતું કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલા જ આનો સંકેત આપી ચૂક્યા છે કે CWCની બેઠક ઘણી જલદી બોલાવવામાં આવશે. થોડાક દિવસ પહેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે CWCની બેઠક બોલાવવાની માંગ કરી હતી. આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે પાર્ટીથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા માટે કૉંગ્રેસ કાર્ય સમિતિની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે.
સિબ્બલે પાર્ટી નેતૃત્વ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો
સિબ્બલે પંજાબ કૉંગ્રેસમાં ઘમાસાણની વચ્ચે થોડાક દિવસ પહેલા પાર્ટી નેતૃત્વ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવીને આ સ્થિતિ પર ચર્ચા થવી જોઇએ તથા સંગઠનાત્મક ચૂંટણી કરાવવી જોઇએ. CWCની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સુષ્મિતા દેવ, જિતિન પ્રસાદ, લુઈજિન્હો ફાલેરિયો અને અનેક અન્ય નેતા છેલ્લા કેટલાક મહિનામાં કૉંગ્રેસ છોડીને બીજી પાર્ટીઓમાં સામેલ થયા છે.
કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઇને તારીખ નક્કી થઈ શકે છે
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક એ દ્રષ્ટિએ પણ મહત્વની છે કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લાંબા સમયથી પેન્ડિંગ છે. કેટલાક મહિના પહેલા કોરોના મહામારીના કારણે અધ્યક્ષની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી, જે પહેલા જૂનમાં યોજાવાની હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે CWCની આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને કોઈ તારીખ કે માળખું નક્કી થઈ શકે છે.
વિઘાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ પર ચર્ચા થઈ શકે છે
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ પર પણ ચર્ચા થશે. આગામી વર્ષની શરૂઆતમાં આ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ
આ પણ વાંચો: Lakhimpur Violence: ગૃહ રાજ્યપ્રધાનના પુત્ર આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર